Explainer: 18 લાખ કરોડનો સવાલ, જાણો હોર્મુઝ ખાડીના વિકલ્પ રૂપે ખાડી દેશો સુએઝ જેવી નહેર બનાવી શકે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Strait of Hormuz Bypass Option : પર્સિયન ગલ્ફ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલી હોર્મુઝ સ્ટ્રેટ એટલે કે હોર્મુઝની ખાડી દુનિયાના સૌથી મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંની એક છે. મધ્ય પૂર્વમાં ઉત્પાદન થતું વિશાળ પ્રમાણનું કાચું તેલ આ સાંકડા જળમાર્ગમાંથી પસાર થઈને એશિયા, યુરોપ અને અન્ય દેશોમાં પહોંચે છે. વિશ્વના કુલ ક્રૂડ ઓઇલના લગભગ 20% જેટલા જથ્થાનું પરિવહન આ માર્ગ પરથી થાય છે. મધ્ય-પૂર્વમાં ચાલતા યુદ્ધને કારણે હાલમાં હોર્મુઝની સ્ટ્રેટમાં જહાજી વ્યવહાર ખોરવાઈ ગયો છે, જેના પરિણામે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ઓઈલ અને ગેસના પુરવઠા પર ગંભીર અસર પડી છે.
આ સ્થિતિમાં ચર્ચા શરૂ થઈ છે કે, શું હોર્મુઝનો વિકલ્પ નથી? આ વિસ્તારમાં યુએઈ અને ઓમાન વચ્ચે હોર્મુઝને બાયપાસ કરતી નવી નહેર બનાવી હોય તો કેમ? નકશો જોતાં તો આ વિચાર આવકારદાયક લાગે છે, પરંતુ વાસ્તવમાં તેને અમલમાં મૂકવામાં ભૂગોળ, અધધધ ખર્ચ, ટેકનિકલ મુશ્કેલીઓ અને રાજકીય અવરોધો આડે આવે એમ છે. ચાલો, જાણીએ કે નવી નહેર બનાવવાના પ્રોજેક્ટમાં ક્યાં શું નડે છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં વાસ્તવિક જહાજ માર્ગ કેટલો છે?
નકશા પ્રમાણે હોર્મુઝની ખાડીનું સૌથી સાંકડું સ્થળ લગભગ 39 કિલોમીટર પહોળું છે. પરંતુ આ સમગ્ર પહોળાઈમાંથી જહાજો પસાર થઈ શકે એમ નથી. અહીં Traffic Separation Scheme (TSS) લાગુ છે, જેમાં...
- આવનારા જહાજો માટે 2 માઇલ પહોળી ચેનલ છે.
- બહાર જતા જહાજો માટે 2 માઇલ પહોળી ચેનલ છે.
- બંને વચ્ચે 2 માઇલનું સુરક્ષા અંતર રખાયું છે.
આ પ્રમાણે કુલ ઉપયોગી જળ માર્ગ માત્ર આશરે 11 કિલોમીટર જેટલો રહે છે. મોટા ઓઈલ ટેન્કરો માટે આ જ સુરક્ષિત માર્ગ છે કારણ કે, આટલી પહોળાઈ પછીના વિસ્તારમાં પાણી એટલું ઊંડું નથી કે જહાજો પસાર થઈ શકે.
આ પણ વાંચો : દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે... યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી
મુસંદમ દ્વીપકલ્પ: સૌથી મોટો ભૌગોલિક અવરોધ
હોર્મુઝના સૌથી મહત્ત્વના ભાગ પાસે મુસંદમ દ્વીપકલ્પ છે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે કારણ કે, ત્યાંથી ખાડી પર સીધી નજર રહે છે. આ વિસ્તાર રાજકીય રીતે ઓમાનનો છે, પરંતુ ભૌગોલિક રીતે તે ઓમાનની મુખ્ય ભૂમિથી અલગ છે અને યુએઈની ઉપર સ્થિત એક ‘એક્સક્લેવ’ (Exclave) છે. એક્સક્લેવ એટલે કોઈ દેશનો એવો ભૂભાગ કે પ્રદેશ, જે મૂળ દેશના મુખ્ય ભાગથી અલગ પડેલો હોય અને આસપાસ બીજા દેશોની જમીનથી ઘેરાયેલો હોય. સિદ્ધાંત મુજબ જો આ દ્વીપકલ્પમાં કાપ મૂકીને નહેર બનાવાય, તો જહાજો હોર્મુઝને બાયપાસ કરીને સીધા અરબી સમુદ્રમાં જઈ શકે.
10 કરોડ વર્ષ જૂના પર્વતો નડે છે
મુસંદમ વિસ્તાર હજર પર્વતમાળાનો ભાગ છે. આ પર્વતો લગભગ 9 થી 10 કરોડ વર્ષ પહેલાં ટેક્ટોનિક પ્લેટોના અથડામણથી રચાયા હતા. અહીંના પથ્થરો મુખ્યત્વે ચુના પત્થર (Limestone) અને ડોલોમાઇટ (Dolomite)ના બનેલા છે. આ બંને પ્રકારના ખડકો ખૂબ જ મજબૂત અને ઘન છે. તેથી મોટા પાયે ખોદકામ કરવું અત્યંત મુશ્કેલ છે.
સમુદ્રમાંથી સીધા ઊગતા પર્વતો
મુસંદમ વિસ્તારમાં એક ખાસ ભૌગોલિક લક્ષણ જોવા મળે છે. અહીંના પર્વતો લગભગ સીધા સમુદ્રમાંથી બહાર આવ્યા છે. આ કારણે દરિયાકિનારે ઊંડી ખીણો અને ખાડા બનેલા છે. જો અહીં નહેર બનાવવાની કોશિશ કરવામાં આવે તો:
- અનેક ઊંચા પર્વતો કાપવા પડે.
- કેટલીક જગ્યાએ 100 મીટર સુધી ઊંચા ખડકો દૂર કરવા પડે.
- અંદાજે 60 માઇલ જેટલો પર્વતીય વિસ્તાર ખોદવો પડે.
એક અંદાજ મુજબ આ પ્રોજેક્ટનો ખર્ચ $200 બિલિયન (₹18 લાખ કરોડ) જેટલો થઈ શકે છે.
ઈરાન રાજકીય પડકાર સર્જી શકે
આ પ્રોજેક્ટમાં માત્ર ટેક્નિકલ સમસ્યાઓ જ નથી, રાજકીય મુદ્દાઓ પણ મહત્ત્વપૂર્ણ છે. હોર્મુઝની સ્ટ્રેટના ઉત્તર કિનારા પર ઈરાનનું નિયંત્રણ છે. આ જળમાર્ગ તેને વ્યૂહાત્મક શક્તિ આપે છે. જો નવો માર્ગ બનાવવામાં આવે અને ગલ્ફના તેલ ટેન્કરો સીધા અરબી સમુદ્રમાં જઈ શકે, તો ઈરાનનું વ્યૂહાત્મક મહત્ત્વ ઘટી જાય. તે કારણે:
- ઈરાન આ પ્રોજેક્ટનો વિરોધ કરી શકે છે
- પ્રાદેશિક તણાવ વધવાની શક્યતા છે
- રાજકીય સમજૂતી વગર પ્રોજેક્ટ શક્ય નથી
બીજો વિકલ્પ છે, અબુ ધાબી-સોહર નહેર
બીજો વિકલ્પ એ છે કે યુએઈના અબુ ધાબી અને ઓમાનના સોહર વચ્ચે નહેર બને. એ રીતે પર્શિયન ગલ્ફ સીધો અરબી સમુદ્ર સાથે જોડાઈ શકે. આ બંને શહેરો વચ્ચેનું અંતર અંદાજે 300 કિ.મી. છે. પરંતુ આ પ્રોજેક્ટ પણ સરળ નથી. વિશ્વની અન્ય મોટી નહેરો સાથે તુલના કરીએ તો સુએઝ નહેર 193 કિમી અને પનામા નહેર 82 કિમી લાંબી છે. એટલે કે અબુ ધાબી-સોહર નહેર એ બંને કરતાં ઘણી લાંબી બને અને એનો ખર્ચ પણ તોતિંગ થાય.
હજર પર્વતમાળા ફરી મોટી અડચણ
અબુ ધાબી અને સોહર વચ્ચે પણ હજર પર્વતમાળા આવે છે. આ પર્વતો અરબી દ્વીપકલ્પના સૌથી ઊંચા અને કઠિન પર્વતો ગણાય છે. કેટલીક જગ્યાએ તેમની ઊંચાઈ 1000 થી 2000 મીટર છે. આટલી મોટી પર્વતમાળા કાપીને નહેર બનાવવી એ એન્જિનિયરિંગની દૃષ્ટિએ અતિ મુશ્કેલ કામ છે.
આ પણ વાંચો : અમેરિકાના 6 પરમાણુ બોમ્બ આજે પણ ક્યાંક ખોવાયેલા છે! જાણો 'બ્રોકન એરો'ની રહસ્યમય ઘટનાઓ
ખર્ચ અને ટેકનિકલ મુશ્કેલીઓ તો છે જ
જો આ નહેર બનાવાય, તો ખર્ચ સેંકડો અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત નહેરમાં...
- સતત dredging (નહેરના તળિયે જમા થયેલી માટી, રેતી, કાદવ અને પથ્થરોને ખાસ મશીનો દ્વારા દૂર કરવાની પ્રક્રિયા) કરવાની જરૂર પડે.
- સમુદ્રી પ્રવાહ અને ભરતીનું સંચાલન કરવું પડે.
- પાણીના સ્તર માટે વિશાળ lock systems બનાવવાની જરૂર પડે.
આ બધા કારણો પ્રોજેક્ટને વધુ જટિલ બનાવે છે.
શું આ વિચાર ભવિષ્યમાં સાકાર થઈ શકે?
આ વિચાર સિદ્ધાંતમાં શક્ય લાગે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં આ પ્રોજેક્ટ માટે ચાર મુખ્ય અવરોધ છે. પહેલો અત્યંત કઠિન ભૌગોલિક સ્થિતિ, જંગી ખર્ચ, ટેકનિકલ મુશ્કેલીઓ અને પ્રાદેશિક રાજકારણ. આ ચાર કારણસર હાલ પૂરતું તો હોર્મુઝની ખાડીનો વિકલ્પ શક્ય જણાતો નથી.








