| All Image Source - Twitter (X) |
US-Iran War : મધ્ય-પૂર્વમાં ભારે તણાવ વચ્ચે ઈરાનના હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા એક થાઈ કાર્ગો શિપ પર આજે (11 માર્ચ) હુમલો થયો છે. આ શિપ ગુજરાત આવી રહ્યું હતું. રિપોર્ટ મુજબ, જ્યારે શિપ હોર્મુઝમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અજાણ્યા પ્રોજેક્ટાઈલે તેના પર હુમલો કર્યો છે, જેમાં શિપ પર ભીષણ આગ લાગી છે. રિપોર્ટ મુજબ, રેસ્ક્યૂ ઓપરેશન કરીને 20 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
20 ક્રૂ મેમ્બરોને બચાવી લેવાયા
શિપ ટ્રેકિંગ ડેટા મુજબ, મયૂરી નારી નામની શિપ ઓમાનના ઉત્તર દરિયાકિનારાથી લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે હુમલો કરાયો છે. થાઈલેન્ડ સરકારે પુષ્ટી કરી છે કે, ઘટના બાદ શિપ પર 23 ક્રૂ મેમ્બરોમાંથી 20ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ શિપ પર છે.
ઓમાનના નૌકાદળે તુરંત રેસ્ક્યૂ હાથ ધર્યું
મરીન સૂત્રોના જણાવ્યા મુજબ, શિપને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી નથી. ઘટનાની જાણ થતાં ઓમાનના નૌકાદળે તુરંત પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. રૉયલ થાઈ નેવી અને યુનાઈટેડ કિંગ્ડમ મેરીટાઈમ ટ્રેડ ઓપરેશને કહ્યું કે, અજાણ્યા પ્રોજેક્ટાઈલથી કાર્ગો શિપ પર હુમલો થયો છે.
કયા હથિયારનો ઉપયોગ કરીને શિપ પર હુમલો કરાયો છે, તેની સત્તાવાર માહિતી સામે આવી નથી. હજુ સુધી કોઈ દેશ કે સંગઠને પણ હુમલાની જવાબદારી લીધી નથી. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે સૌથી મહત્ત્વનો વેપારી માર્ગ છે. જોકે અમેરિકા-ઈઝરાલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ ઈરાને હોર્મુઝમાંથી પસાર થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેના કારણે વિશ્વભરનો વેપાર અટવાઈ ગયો છે.
યુદ્ધના કારણે મિડલ પૂર્વમાં સંકટ વધ્યું
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ વધુ પ્રબળ બની રહી છે, જેમાં ઈરાને હવે અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ધ 'ઈન્ફ્રાસ્ટ્રક્ચર વોર' છેડવાની ખુલ્લી ધમકી આપી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC)એ જણાવ્યું છે કે, તેની એક બેન્ક પર થયેલા હુમલાના બદલામાં હવે આ પ્રદેશમાં આવેલી અમેરિકન અને ઈઝરાયેલી બેન્કો તથા આર્થિક કેન્દ્રો તેમના કાયદેસરના નિશાના પર છે, અને લોકોને આવી બેન્કોથી એક કિલોમીટર દૂર રહેવાની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત, ઈરાને ગૂગલ (Google), માઈક્રોસોફ્ટ (Microsoft), એનવીડિયા (Nvidia), આઈબીએમ (IBM) અને ઓરેકલ (Oracle) જેવી દિગ્ગજ ટેક કંપનીઓના ઈઝરાયલ અને ગલ્ફ દેશોમાં આવેલા ડેટા સેન્ટર્સ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચરની યાદી જાહેર કરીને તેમને પણ લશ્કરી લક્ષ્યાંક ગણાવ્યા છે. ઈરાનનો આરોપ છે કે આ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ સૈન્ય હેતુઓ માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે હવે આ પ્રાદેશિક સંઘર્ષ આર્થિક અને તકનીકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી પહોંચી ગયો છે.


