World

Google કો-ફાઉન્ડરની મોટી પહેલ, સામાન્ય માણસને સસ્તા ઘર મળી રહે તે માટે 183 કરોડનું દાન

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બ્રિને સામાજિક સેવાના ક્ષેત્રમાં એક ઉદાહરણીય કામ કર્યું છે. બ્રિને કેલિફોર્નિયામાં સામાન્ય લોકોને પરવડે તેવા ઘર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા ‘બિલ્ડિંગ અ બેટર કેલિફોર્નિયા’ (Building a Better California) નામના સંગઠનને 20 મિલિયન ડોલર (આશરે ₹183 કરોડથી વધુ) નું દાન આપ્યું છે. બ્રિનનું આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Google કો-ફાઉન્ડરની મોટી પહેલ, સામાન્ય માણસને સસ્તા ઘર મળી રહે તે માટે 183 કરોડનું દાન
ફોટો સોર્સ: વાયરલ તસવીર

Google Co-Founder Sergey Brin Donation: ગૂગલના કો-ફાઉન્ડર સેર્ગેઈ બ્રિને સામાજિક સેવાના ક્ષેત્રમાં એક ઉદાહરણીય કામ કર્યું છે. બ્રિને કેલિફોર્નિયામાં સામાન્ય લોકોને પરવડે તેવા ઘર મળી રહે તે હેતુથી શરૂ કરાયેલા ‘બિલ્ડિંગ અ બેટર કેલિફોર્નિયા’ (Building a Better California) નામના સંગઠનને 20 મિલિયન ડોલર (આશરે ₹183 કરોડથી વધુ) નું દાન આપ્યું છે. બ્રિનનું આ અત્યાર સુધીનું સૌથી મોટું વ્યક્તિગત દાન છે. 

શું છે આ અભિયાન? 

કેલિફોર્નિયામાં હાલમાં ઘરોના સતત વધતા ભાવ એક ગંભીર કટોકટી છે. આ સમસ્યાને ઉકેલવા માટે સિલિકોન વેલીના દિગ્ગજોએ સાથે મળીને 35 મિલિયન ડોલરનું એક પેકેજ તૈયાર કર્યું છે, જેમાં સેર્ગેઈ બ્રિન મુખ્ય દાતા છે. આ અભિયાનમાં ગૂગલના પૂર્વ સીઈઓ એરિક શ્મિટ અને વેન્ચર કેપિટાલિસ્ટ માઈકલ મોરિત્ઝે પણ 2-2 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું છે. આ કામ માટે પે-પાલના સીઈઓ મેક્સ લેવચિને પણ 1 મિલિયન ડોલરનું દાન કર્યું છે. 

બ્રિનની સંપત્તિ રાતોરાત 97 અબજ ડૉલર વધી હતી  

રસપ્રદ વાત એ છે કે આ દાનના અહેવાલ એવા સમયે આવ્યા છે, જ્યારે કેલિફોર્નિયામાં અબજોપતિઓ પર 'વેલ્થ ટેક્સ' (સંપત્તિ વેરો) નાખવાની તૈયારી ચાલી રહી છે. બ્રિનની સંપત્તિમાં વર્ષ 2025માં આલ્ફાબેટના શેરમાં થયેલા ઉછાળાને કારણે 97.3 અબજ ડોલરનો જંગી વધારો થયો છે. એવું કહેવાય છે કે બ્રિને આ સંપત્તિનો ઉપયોગ સામાજિક કલ્યાણ અને પર્યાવરણ જેવા કાર્યોમાં કરવા માંગે છે.

અગાઉ પણ કર્યું છે મોટું દાન 

બ્રિને માત્ર આ ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ગયા વર્ષે પોતાની 'કેટાલિસ્ટ-4' નામની સ્વૈચ્છિક સંસ્થાને પણ 1.1 અબજ ડોલરના શેર ટ્રાન્સફર કર્યા હતા. આ સંસ્થા મુખ્યત્વે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) ના રોગો અને ક્લાઈમેટ ચેન્જની દિશામાં કામ કરે છે. આ ઉપરાંત બ્રિન પાર્કિન્સન રોગના સંશોધન માટે માઈકલ જે. ફોક્સ ફાઉન્ડેશનને 45 મિલિયન ડૉલર અને તેમના ફેમિલી ફાઉન્ડેશનને પણ 90 મિલિયન ડૉલરનું દાન કરી ચૂક્યા છે.

આ પણ વાંચો: Explainer: કોણ છે આસિફા મેંગલ અને હવા બલુચ, જેમના આત્મઘાતી હુમલાથી ધ્રૂજી ગયું પાકિસ્તાન

નિષ્ણાતો આ દાનને બ્રિનના અત્યાર સુધીના સૌથી મહત્ત્વના સામાજિક પગલાં તરીકે જોઈ રહ્યા છે, જે કેલિફોર્નિયાના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થઈ શકે છે.