હવા બલુચ (ડાબે) અને આસિફા મેંગલ (જમણે) |
Pakistan and BLA attack News : બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને બલુચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે ચાલી રહેલા લોહિયાળ જંગે હવે નવો વળાંક લીધો છે. BLA દ્વારા શરૂ કરાયેલા 'ઓપરેશન હેરોફ'ના બીજા તબક્કામાં મહિલા ફિદાયીન (આત્મઘાતી) હુમલાખોરોએ પાકિસ્તાની સૈન્ય અને ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટરને નિશાન બનાવીને ખળભળાટ મચાવી દીધો છે. આ હુમલા બાદ BLAએ બે હુમલાખોરોની તસવીરો જાહેર કરી છે, જે બંને મહિલા છે. બળવાખોરોએ આ મહિલાઓને 'વીરાંગના' ગણાવી છે.
આસિફા મેંગલ: ISI મુખ્યાલય પર 'કાળ' બનીને ત્રાટકી
બલુચ લિબરેશન આર્મીએ તેની 'મજીદ બ્રિગેડ'ની ત્રીજી મહિલા ફિદાયીન આસિફા મેંગલની તસવીર જાહેર કરીને પાકિસ્તાન સરકારને ચોંકાવી દીધી છે. 24 વર્ષની આસિફાએ 31 જાન્યુઆરી 2026ના રોજ નુશ્કી સ્થિત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના મુખ્યાલયને વિસ્ફોટકોથી ભરેલા વાહન (VBIED) દ્વારા નિશાન બનાવ્યું હતું. 2002માં જન્મેલી આસિફા વર્ષ 2024માં ફિદાયીન બની હતી અને તેને હાઈ-સિક્યોરિટી સૈન્ય ઠેકાણા પર હુમલો કરવા માટે ખાસ તાલીમ અપાઈ હતી.
આસિફા બલુચિસ્તાનના નુશ્કી વિસ્તારની રહેવાસી અને મોહમ્મદ ઈસ્માઇલની દીકરી છે. તેનો જન્મ 2 ઓક્ટોબર, 2002ના રોજ થયો હતો. સંગઠનનો દાવો છે કે, તે તેના 21મા જન્મદિવસ પર BLAના માજીદ બ્રિગેડમાં જોડાઈ હતી અને જાન્યુઆરી 2024માં આત્મઘાતી હુમલાખોર બનવાનો નિર્ણય લીધો હતો. BLAનું કહેવું છે કે, નુશ્કીમાં ISI મુખ્યાલય પર હુમલો તણે જ કર્યો હતો. બીજી મહિલા હુમલાખોરનું નામ હજુ સુધી સામે નથી આવ્યું. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાઈરલ થયો છે, જેમાં તે પોતાના સાથીઓ સાથે દેખાઇ રહી છે. વીડિયોમાં તે પાકિસ્તાની સરકારની ટીકા કરતી દેખાઈ રહી છે.
હવા બલુચ ઉર્ફે 'દ્રોશમ': ગ્વાદરમાં સેના સામે જંગ
ગ્વાદર ફ્રન્ટ પરથી હવા બલુચ નામની મહિલા જવાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. 'દ્રોશમ' તરીકે ઓળખાતી હવાએ તેના મૃત્યુના માત્ર 12 કલાક પહેલા આ મેસેજ રેકોર્ડ કર્યો હતો. BLA નો દાવો છે કે હવાએ અન્ય સાથીદારો સાથે મળીને ગ્વાદરમાં પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ વીડિયો દ્વારા સંગઠને સંદેશ આપ્યો છે કે હવે બલુચ મહિલાઓ યુદ્ધના મેદાનમાં મોખરે રહીને લડી રહી છે.
40 કલાકનો ભયાનક જંગ અને 200થી વધુ મોત
બલુચિસ્તાનના અનેક વિસ્તારોમાં છેલ્લા 40 કલાકથી 'ઓપરેશન હેરોફ' અંતર્ગત ભીષણ લડાઈ ચાલી રહી છે. BLA એ દાવો કર્યો છે કે આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં પાકિસ્તાની સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોરના 200થી વધુ જવાનો માર્યા ગયા છે અને 17 જવાનોને બંદી બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓએ પાકિસ્તાન જ નહીં પરંતુ આ વિસ્તારમાં ચીન અને અમેરિકાના હિતો માટે પણ ખતરાની ઘંટડી વગાડી દીધી છે.
નવી લડાઈ, નવી વ્યૂહનીતિ
નિષ્ણાતો માને છે કે મહિલા ફિદાયીનનો ઉપયોગ કરીને BLA એ પાકિસ્તાની સેનાની સુરક્ષા વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરી નાખી છે. નુશ્કી અને ગ્વાદર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં થયેલા આ હુમલાઓ દર્શાવે છે કે બલુચિસ્તાનમાં વિદ્રોહ હવે અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયો છે અને ત્યાંની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
BLA એ જણાવ્યું કે, આ તેમના ઓપરેશન હેરોફ એટલે કે બ્લેક સ્ટૉર્મનો બીજો તબક્કો હતો. બીજી તરફ પાકિસ્તાની સેનાનું કહેવું છે કે, આતંકવાદીઓને કોઈપણ શહેરો અથવા મુખ્ય સ્થળો પર કબજો નથી કરવા દીધો. બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો પરંતુ ગરીબ પ્રાંત છે, જ્યાં વર્ષોથી હિંસા ચાલુ છે. બલોચ સંગઠનો લાંબા સમયથી વધુ અધિકારો અને કુદરતી સંસાધનોમાં હિસ્સેદારીની માગ કરી રહ્યા છે.
પાકિસ્તાની સુરક્ષા દળોનું મોટું ઓપરેશન
એક અહેવાલ પ્રમાણે આ હુમલાઓ બાદ પાકિસ્તાની સુરક્ષા દળોએ એક મોટું ઓપરેશન ચલાવ્યું. બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા પ્રમાણે સુરક્ષા દળોએ લગભગ 40 કલાક સુધી કાર્યવાહી કરી અને 140થી વધુ આતંકવાદીઓનો ખાતમો કર્યો છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ જણાવ્યું હતું કે, હુમલાઓમાં મહિલા હુમલાખોરો સામેલ હતી. પાકિસ્તાની સરકારના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો સામાન્ય લોકોના વેશમાંશાળાઓ, બજારો, બેન્કો અને હોસ્પિટલોમાં ઘૂસ્યા અને ગોળીબાર કર્યો હતો. આ હુમલાઓ શુક્રવારે રાત્રે શરૂ થયા અને શનિવાર સુધી ચાલુ રહ્યા. નુશ્કી, ગ્વાદર, ચમન, હબ, નસીરાબાદ અને મકરાન જેવા વિસ્તારોમાં હુમલા થયા હોવાની માહિતી છે.


