| (IMAGE - IANS) |
Gaza News: વિશ્વના દેશો જ્યાં ગાઝામાં સીઝફાયર થઈ ગયો હોવાના દાવા કરી રહ્યા છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્રની બાળ સંસ્થા 'યુનિસેફ' (UNICEF) દ્વારા એક અત્યંત ચિંતાજનક અને કાળજું કંપાવી દેતો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. યુનિસેફે ઈઝરાયલના કથિત યુદ્ધવિરામને એક 'ક્રૂર અને જીવલેણ ભ્રમ' ગણાવ્યો છે. રિપોર્ટ અનુસાર, ગાઝામાં યુદ્ધવિરામની જાહેરાત થઈ હોવા છતાં, છેલ્લા 8 મહિના કરતાં વધુ સમયથી ત્યાં દરરોજ સરેરાશ એક પેલેસ્ટિનિયન બાળક પોતાનો જીવ ગુમાવી રહ્યું છે. ઓક્ટોબર 2025માં જ્યારે બંને પક્ષો વચ્ચે લડાઈ રોકવાની જાહેરાત થઈ હતી, ત્યારથી અત્યાર સુધીમાં જ ઈઝરાયલી દળો દ્વારા ઓછામાં ઓછા 265 પેલેસ્ટિનિયન બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાયા છે.
'દુનિયા સીઝફાયરની ભાષા બોલે છે અને ગાઝાના પરિવારો બાળકોને દફનાવે છે'
જીનીવામાં પત્રકારો સાથે વાતચીત કરતાં યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરે ભારે દુઃખ સાથે જણાવ્યું હતું કે, 'જે સમયગાળાને સંયમ અને સુરક્ષાનો ગણવામાં આવતો હતો, તે જ ગાળામાં છેલ્લા 8 મહિનાથી રોજ એક માસૂમ બાળકનું મોત થઈ રહ્યું છે. આ આંકડો અત્યંત આઘાતજનક છે. જ્યારે આખી દુનિયા યુદ્ધવિરામની વાતો કરે છે, ત્યારે ગાઝાના લાચાર પરિવારો પોતાના દીકરા-દીકરીઓની લાશને દફનાવી રહ્યા છે. આ બાળકો કોઈ યુદ્ધના મેદાનમાં નથી માર્યા ગયા, પરંતુ પોતાના ઘરોમાં, શાળાઓમાં, રમતના મેદાનમાં ફૂટબોલ રમતી વખતે અથવા દરિયા કિનારે માછીમારી કરતી વખતે ઈઝરાયલી સૈન્યના બોમ્બ, ગોળીઓ અને ક્વાડકોપ્ટર ડ્રોનનો શિકાર બન્યા છે.'
તાજેતરના કેટલાક ચોંકાવનારા ઉદાહરણો આપતાં યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરે જણાવ્યું કે, 'આ અઠવાડિયે જ એક 2 વર્ષના માસૂમને ગોળી મારી દેવાઈ, એક 13 વર્ષનો છોકરો પોતાના ટેન્ટની અંદર હતો ત્યારે તેની હત્યા કરાઈ અને એક 5 વર્ષનો બાળક તેના પિતા સાથે ઈઝરાયલી હવાઈ હુમલામાં માર્યો ગયો.'
ઈઝરાયલની કથિત સરહદોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, 'સ્થિતિ એવી છે કે જો તમે 'ઓરેન્જ લાઇન' પાસે ઊભા રહીને છીંક પણ ખાશો, તો ઈઝરાયલી સૈનિકો તમને ગોળી મારી દેશે.'
દવાઓ પર પ્રતિબંધથી બાળકોના અંગો કાપવાનું જોખમ વધ્યું
યુનિસેફના અહેવાલ મુજબ, ઑક્ટોબરથી અત્યાર સુધીમાં 400થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી ઘણાને કાયમી ખોડખાંપણ (કૅટાસ્ટ્રોફિક વૂન્ડ્સ) આવી છે. હજારો ઈજાગ્રસ્ત માસૂમોને તાત્કાલિક બહારના દેશોમાં તબીબી સારવાર માટે મોકલવાની જરૂર છે, પરંતુ ઈઝરાયલના નાકાબંધી અને કડક નિયંત્રણોના કારણે આવશ્યક દવાઓ ગાઝા પહોંચી શકતી નથી.
દવાઓની અછતને લીધે ઘાયલ બાળકોમાં ઇન્ફેક્શન વધી રહ્યું છે અને તેમના અંગો કાપી નાખવા પડે તેવી નોબત આવી છે. મહિનાઓના બોમ્બમારાને કારણે ગાઝાની તમામ હૉસ્પિટલો અને આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે પડી ભાંગી છે. હૉસ્પિટલોમાં દવા, ફ્યુઅલ, સ્ટાફ અને તબીબી સાધનોની ભયંકર અછત છે. આ ઉપરાંત, 11 લાખથી વધુ બાળકો માટે ચોખ્ખું પીવાનું પાણી મેળવવું એ રોજની મોટી મુશ્કેલી બની ગયું છે.
આ પણ વાંચો: ઈઝરાયલ નહીં સુધરે! સીઝફાયર કર્યાના કલાકોમાં જ દક્ષિણ લેબેનોનમાં મોટો હુમલો, 5ના મોત
લેબેનૉનમાં પણ ભારે તબાહી: 247 બાળકોના મોત
ગાઝાની સાથે-સાથે લેબેનૉનની સ્થિતિ પણ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. યુનિસેફના જણાવ્યા અનુસાર, લેબેનૉનમાં ગયા માર્ચ મહિનાથી શરૂ થયેલી હિંસામાં અત્યાર સુધીમાં 247 બાળકોના મોત થયા છે અને 992 બાળકો ઘાયલ થયા છે. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા 'ઓચા'(OCHA)ના પ્રવક્તા જેન્સ લેર્કેએ દક્ષિણ લેબેનૉનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર ઈઝરાયલ દ્વારા રાતોરાત કરાયેલા હવાઈ હુમલાની સખત નિંદા કરી છે, જેમાં વધુ 18 લોકોના મોત થયા છે.
પેલેસ્ટિનિયન આરોગ્ય સત્તાવાળાઓના સત્તાવાર આંકડા મુજબ, 7 ઑક્ટોબર 2023થી શરૂ થયેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 73,018થી વધુ પેલેસ્ટિનિયનોના મોત થયા છે અને 1,73,273 લોકો ઘાયલ થયા છે. માત્ર 11 ઑક્ટોબરે થયેલા કથિત 'યુદ્ધવિરામ' પછી જ ઈઝરાયલી હુમલામાં 1007 લોકો માર્યા ગયા છે. યુનિસેફે વિશ્વના દેશોને અપીલ કરી છે કે જ્યાં સુધી માસૂમ બાળકોના મોત ન અટકે, ત્યાં સુધી કોઈપણ યુદ્ધવિરામનો કોઈ અર્થ નથી.
ગાઝાના 38,000થી વધુ બાળકોને કપડાંની મદદ
ચીન સરકારની સત્તાવાર સંસ્થા(CIDCA)ના સહયોગથી, સંયુક્ત રાષ્ટ્રની બાળ સંસ્થા 'યુનિસેફ' (UNICEF) દ્વારા ગાઝા પટ્ટીમાં પીડિત બાળકો અને પરિવારો માટે મોટી રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે. આ વિશેષ સહાય અંતર્ગત ગાઝાના 38,000થી વધુ બાળકોને કપડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ત્યાંની કથળેલી આરોગ્ય વ્યવસ્થાને ટેકો આપવા માટે 6 અગ્રણી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં લાઇફ સેવિંગ મેડિકલ સંસાધનો પણ પહોંચાડવામાં આવ્યા છે, જેથી જરૂરિયાતમંદ પરિવારોને તાત્કાલિક સારવાર મળી શકે.


