World

નવા ભયાનક યુદ્ધની સ્ક્રિપ્ટ તૈયાર? લેબેનોન મુદ્દે ઈઝરાયલ અને ઈરાને જીદ પકડી

By GS Team
26 Jun 20265 mins read
TukuTouch Logo
લેબેનોનના દક્ષિણ ભાગમાં ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ વચ્ચે 2026માં તણાવ ચરમસીમા પર છે. ઈઝરાયલે હિઝબુલ્લાહ શસ્ત્રો ન છોડે ત્યાં સુધી સેના પાછી નહીં ખેંચવાની જાહેરાત કરી છે, જ્યારે ઈરાન ઈઝરાયલ સંપૂર્ણપણે પાછળ હટે તેમ ઈચ્છે છે. આ ખેંચતાણ મધ્ય પૂર્વને મહાયુદ્ધ તરફ ધકેલી રહી છે, જેનાથી લેબેનોન સહિત સમગ્ર વિશ્વમાં માનવીય અને આર્થિક સંકટ ઘેરું બનશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવા ભયાનક યુદ્ધની સ્ક્રિપ્ટ તૈયાર? લેબેનોન મુદ્દે ઈઝરાયલ અને ઈરાને જીદ પકડી

Israel-Hezbollah Conflict 2026: લેબેનોન દક્ષિણ એશિયા અને મિડલ ઇસ્ટનો એક નાનો પરંતુ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વ ધરાવતો દેશ છે. આ દેશનો ઈઝરાયલની સરહદને અડતો દક્ષિણ વિસ્તાર લાંબા સમયથી તણાવનું મુખ્ય કેન્દ્ર રહ્યો છે. વર્ષ 2026માં પણ અહીં પરિસ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. આ વિસ્તારમાં ઈરાન સમર્થિત મજબૂત સંગઠન હિઝબુલ્લાહ સક્રિય છે, જેની સાથે ઈઝરાયલને અવારનવાર હિંસક ઝડપો થતી રહે છે. હાલમાં ઈઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હિઝબુલ્લાહ પોતાના હથિયારો નહીં છોડે, ત્યાં સુધી તેની સેના લેબેનોનના દક્ષિણ ભાગમાંથી પીછેહઠ નહીં કરે.

બીજી તરફ, ઈરાનનું વલણ એવું છે કે ઈઝરાયલે પહેલા સંપૂર્ણપણે પાછા હટવું જોઈએ અને લડાઈ બંધ કરવી જોઈએ. બંને પક્ષો વચ્ચેની આ હઠ મિડલ ઇસ્ટને એક ભયાનક મહાયુદ્ધ તરફ ધકેલી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર સીમા વિવાદ નથી, પરંતુ પ્રાદેશિક સત્તાનું સંતુલન, હથિયાર નિયંત્રણ અને વૈશ્વિક મહાસત્તાઓની વ્યૂહનીતિ સાથે જોડાયેલો મોટો મુદ્દો છે. આ ખેંચતાણ વચ્ચે લેબેનોનની અર્થવ્યવસ્થા પહેલેથી જ ભાંગી પડી છે અને લાખો લોકો વિસ્થાપિત થયા છે, ત્યારે નવું યુદ્ધ માનવીય સંકટને વધુ ઘાતક બનાવશે.

ઈઝરાયલનું વલણ: સુરક્ષા પહેલા, હિઝબુલ્લાહ હથિયારો છોડે

ઈઝરાયલ સતત કહી રહ્યું છે કે તેના નાગરિકોની સુરક્ષા તેના માટે સૌથી મહત્ત્વની છે. હિઝબુલ્લાહ પાસે હજારો રોકેટ અને આધુનિક હથિયારો છે, જે ઈઝરાયલના શહેરોને સીધા નિશાન બનાવી શકે છે. ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ અને દેશના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ લેબેનોનમાં સુરક્ષા ઝોન જાળવી રાખવો અનિવાર્ય છે. ઈઝરાયલની દલીલ છે કે ભૂતકાળના કરારોમાં હિઝબુલ્લાહે હથિયારો છોડવાનો વાયદો કર્યો હતો પરંતુ તે ક્યારેય પૂરો કર્યો નથી, તેથી હવે તેમના પર ભરોસો કરી શકાય તેમ નથી.

હિઝબુલ્લાહનું સશક્ત હોવું એ માત્ર ઈઝરાયલ માટે જ નહીં, પણ લેબેનોનની સાર્વભૌમત્વ માટે પણ ખતરો છે. પોતાની સુરક્ષા માટે ઈઝરાયલે અનેકવાર હવાઈ હુમલા કરીને હિઝબુલ્લાહની ક્ષમતા નબળી પાડવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. જો હિઝબુલ્લાહ ફરી કોઈ મોટો હુમલો કરશે, તો ઈઝરાયલ મોટા પાયે સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર બેઠું છે.

લેબેનોન સરકારની લાચારી અને રાજકીય કટોકટી

હિઝબુલ્લાહ પોતાને લેબેનોનનો રક્ષક ગણાવે છે. તેના નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી ઈઝરાયલી સેના લેબેનોનની ધરતી પર હાજર છે, ત્યાં સુધી તેઓ હથિયાર હેઠા નહીં મૂકે. હિઝબુલ્લાહની શરત છે કે ઈઝરાયલ પહેલા લેબેનોનની જમીન ખાલી કરે, ત્યાર બાદ જ કોઈ વાતચીત થઈ શકે. જોકે, તેમણે પોતાના કેટલાક હથિયારો લેબેનોનની સેનાને સોંપ્યા છે, પરંતુ સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે.

બીજી તરફ, લેબેનોનની સરકાર અત્યંત નબળી અને લાચાર છે. દેશ આર્થિક કટોકટી, રાજકીય અસ્થિરતા અને આંતરિક મતભેદોથી ઘેરાયેલો છે. લેબેનોનની રાજનીતિમાં પણ હિઝબુલ્લાહનો દબદબો હોવાથી સરકાર લાચાર બની છે. દક્ષિણ સરહદે લેબેનોનની સેના તહેનાત તો છે, પરંતુ હિઝબુલ્લાહની સૈન્ય તાકાત આગળ તેની ભૂમિકા મર્યાદિત બનીને રહી ગઈ છે. જો ઈઝરાયલ પીછેહઠ નહીં કરે, તો હિઝબુલ્લાહના સમર્થકોનો ગુસ્સો ભભૂકી ઉઠશે અને નવી લડાઈ અનિવાર્ય બનશે.

આ પણ વાંચો: ગલ્ફમાં ફરી ભારેલો અગ્નિ: હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક

ઈરાનની વ્યૂહનીતિ: ઈઝરાયલ પર દબાણ લાવવાનો ખેલ

હિઝબુલ્લાહની પાછળ ઈરાનનો મોટો હાથ છે, જે તેને મોટા પાયે આધુનિક હથિયારો, નાણાકીય સહાય અને સૈન્ય તાલીમ પૂરી પાડે છે. ઈરાનનું સત્તાવાર રીતે માનવું છે કે કોઈપણ ચર્ચા પહેલા ઈઝરાયલે લેબેનોનની ધરતી ખાલી કરવી પડશે. એટલું જ નહીં, ઈરાને એવી ખુલ્લી ચેતવણી પણ આપી છે કે જો ઈઝરાયલી હુમલા બંધ નહીં થાય તો તેનો જડબાતોડ જવાબ અપાશે.

વાસ્તવમાં, ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ પરોક્ષ જંગ વર્ષોથી ચાલી રહ્યો છે, જેમાં લેબેનોન તો માત્ર એક મહોરું છે; આ બહાને ઈરાન આખા મિડલ ઇસ્ટમાં પોતાનો પ્રભુત્વ જમાવવા માંગે છે. જો ઈઝરાયલી સેના દક્ષિણ લેબેનોનમાં અડ્ડો જમાવી રાખશે, તો ઈરાન અન્ય મોરચાઓ પરથી પણ ઘેરાબંધી મજબૂત કરી શકે છે. ઈરાનના આ આક્રમક તેવરને કારણે જ હવે ઈઝરાયલ સહિત અમેરિકન પ્રમુખની ચિંતામાં પણ મોટો વધારો થયો છે અને સમગ્ર પ્રાદેશિક સુરક્ષા જોખમમાં મુકાઈ ગઈ છે.

રાજદ્વારી નિષ્ફળતા અને મહાયુદ્ધના એંધાણ

જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે, તો મિડલ ઇસ્ટમાં ભયાનક યુદ્ધ નિશ્ચિત છે. શરૂઆતી નાની ઝડપો મોટા જંગમાં ફેરવાશે, જ્યાં હિઝબુલ્લાહના રોકેટમારા સામે ઈઝરાયલ વિનાશક હવાઈ હુમલા કરશે અને તેની સેના દક્ષિણ લેબેનોનમાં અંદર સુધી ઘૂસી જશે. આના જવાબમાં ઈરાન પણ પોતાના અન્ય સાથી સંગઠનો દ્વારા ઈઝરાયલ પર દબાણ વધારશે.

આ મહાયુદ્ધથી લેબેનોનમાં લાખો લોકો બેઘર થશે, હજારો નિર્દોષો જીવ ગુમાવશે અને દેશનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત થઈ જશે. જોકે, આ જંગ ઈઝરાયલને પણ ભારે પડશે અને લાંબી સૈન્ય તહેનાતી તેની અર્થવ્યવસ્થા તોડી નાખશે. સંયુક્ત રાષ્ટ્ર (UN) અને અન્ય દેશો સીઝફાયર કરાવવા મથી રહ્યા છે, પરંતુ બંને પક્ષોની જીદ વચ્ચે હવે અમેરિકા પણ આ ધર્મસંકટમાં ફસાઈ શકે છે.

વૈશ્વિક અર્થતંત્ર અને માનવતા પર મોટો ફટકો

લેબેનોનનું આ સંકટ માત્ર પ્રાદેશિક નથી, પણ વૈશ્વિક છે. જો યુદ્ધ વકરશે તો સાઉદી અરેબિયા અને તૂર્કીયે જેવા દેશો પણ તેની લપેટમાં આવશે, જેના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચશે અને વૈશ્વિક અર્થતંત્ર ખોરવાશે. આ સાથે જ, પહેલેથી લાખો શરણાર્થીઓ ધરાવતા લેબેનોનમાં ભૂખમરો, રોગચાળો અને વિસ્થાપનનું ભયાનક માનવીય સંકટ સર્જાશે, જ્યાં હોસ્પિટલો અને શાળાઓ નષ્ટ થતાં આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણ પડી ભાંગશે.

આ પણ વાંચો: જ્યાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન બનવાનો હતો, ત્યાં હવે ચીન કરશે મોટું નિર્માણ! બાંગ્લાદેશનો ભારતને વધુ એક ઝટકો

સમસ્યાનો કાયમી ઉકેલ શું?

આ જટિલ કટોકટીનો ઉકેલ મુશ્કેલ છે પણ અશક્ય નથી, જે માટે બંને પક્ષોએ નમતું જોખવું પડશે. ઈઝરાયલને તેની સરહદી સુરક્ષાની ગેરંટી મળે અને બદલામાં હિઝબુલ્લાહ પોતાના હથિયારો લેબેનોન આર્મીને સોંપે તે જરૂરી છે. આ સાથે જ ઈરાનના હિતો સુરક્ષિત રહે તેવું આશ્વાસન આપીને અમેરિકા સહિતની વૈશ્વિક સત્તાઓએ મધ્યસ્થતા કરવી પડશે. સૌથી મહત્ત્વનું એ છે કે લેબેનોન સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક-સૈન્ય મદદ આપી મજબૂત કરાય, જેથી તે પોતાના વિસ્તાર પર ખુદ નિયંત્રણ મેળવી શકે.