World

જ્યાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન બનવાનો હતો, ત્યાં હવે ચીન કરશે મોટું નિર્માણ! બાંગ્લાદેશનો ભારતને વધુ એક ઝટકો

By GS TEAM
26 Jun 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશે ચીન સાથે મુંગલા પોર્ટ પ્રોજેક્ટનો મોટો કરાર કર્યો છે, જે ભારત માટે આંચકો છે. વડાપ્રધાન તારિક રહેમાનની હાજરીમાં બેઇજિંગમાં આ કરાર પર હસ્તાક્ષર થયા. આ પ્રોજેક્ટ 110 એકર જમીન પર બનશે, જે અગાઉ ઇન્ડિયન ઇકોનોમિક ઝોન માટે નિર્ધારિત હતી. તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ આ બીજો મોટો સહયોગ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જ્યાં ઇન્ડિયન ઇકોનોમિક ઝોન બનવાનો હતો, ત્યાં હવે ચીન કરશે મોટું નિર્માણ! બાંગ્લાદેશનો ભારતને વધુ એક ઝટકો
બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને બેઇજિંગમાં ચીનના પીએમ શી જિનપિંગ સાથે (IMAGE - IANS)

Mongla Port deal China: તીસ્તા નદી પ્રોજેક્ટ બાદ બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાને ચીન સાથે વધુ એક મોટો કરાર કર્યો છે, જે ભારત માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતા મુંગલા પોર્ટને લઈને ચીન સાથે હાથ મિલાવ્યા છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રોજેક્ટનું નિર્માણ મૂળરૂપે 'ઇન્ડિયન ઇકોનોમિક ઝોન' માટે પ્રસ્તાવિત કરવામાં આવેલી જમીન પર જ કરવામાં આવશે.

તારિક રહેમાનની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર

બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાન હાલ ચીનની મુલાકાતે છે અને તેમની હાજરીમાં જ બેઇજિંગ ખાતે આ મહત્ત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન ઓથોરિટીએ ચીનની સરકારી 'સિવિલ એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન' સાથે ચીન-બાંગ્લાદેશ મુંગલા પોર્ટ ઇકોનોમિક ઝોન માટે કરાર કર્યા છે. આ પ્રોજેક્ટને બાગેરહાટમાં મુંગલા પોર્ટની નજીક આવેલી 110 એકર જમીન પર વિકસાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચેની દ્વિપક્ષીય સમજૂતી હેઠળ આ જમીન પહેલા ઇન્ડિયન ઇકોનોમિક ઝોનને આપવામાં આવી હતી. પરંતુ તેના પર નિર્ધારિત સમયમાં કામ શરૂ ન થઈ શક્યું હોવાનું બહાનું કાઢીને મોહમ્મદ યુનુસની વચગાળાની સરકારે ઓક્ટોબર 2025માં આ પ્રોજેક્ટને લિસ્ટમાંથી હટાવી દીધો હતો. હવે પીએમ તારિક રહેમાનની નવી રોકાણ વ્યૂહરચના હેઠળ આ જમીન ચીનને સોંપી દેવામાં આવી છે.

ચીની રોકાણ પર બાંગ્લાદેશની નજર

બાંગ્લાદેશ હાલના દિવસોમાં પોતાના દેશમાં વધુમાં વધુ ચીની રોકાણને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યું છે. તારિક રહેમાનની આ ચીન મુલાકાતનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ મજબૂત કરવાનો છે, જેમાં મુંગલા પોર્ટનો આ કરાર પણ સામેલ છે. આ સિવાય બાંગ્લાદેશ ઇકોનોમિક ઝોન્સ ઓથોરિટીએ ચટોગ્રામના અનવારામાં ચીની આર્થિક અને ઔદ્યોગિક ઝોન વિકસાવવા માટે 'ચાઇના રોડ એન્ડ બ્રિજ કોર્પોરેશન' સાથે પણ એક ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે.

આ પણ વાંચો: ગલ્ફમાં ફરી ભારેલો અગ્નિ: હોર્મુઝમાં ડ્રોન હુમલા બાદ UNએ જહાજોના રેસ્ક્યૂ ઓપરેશન પર લગાવી બ્રેક

તીસ્તા નદી પ્રોજેક્ટ પર પણ બંને દેશો વચ્ચે સહમતી

આ પહેલા, બાંગ્લાદેશ અને ચીન વચ્ચે તીસ્તા નદી પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કરવા માટે સહમતી સધાઈ ચૂકી છે. ચીનનું કહેવું છે કે જળ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં બાંગ્લાદેશને ચીનના અનુભવનો મોટો ફાયદો મળી શકે છે. બાંગ્લાદેશની સરકારી ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચીનના જળ સંસાધન મંત્રી લી ગુઓયિંગની બેઇજિંગમાં બાંગ્લાદેશના પીએમ તારિક રહેમાન સાથે થયેલી મુલાકાત દરમિયાન આ પ્રોજેક્ટ પર અંતિમ મહોર મારવામાં આવી હતી.