8 Muslim Countries Opens New Front against Israel: ઈઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન, ઇજિપ્ત, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, તૂર્કીયે, સાઉદી અરેબિયા અને કતાર એમ આઠ મુસ્લિમ દેશોએ 9 ફેબ્રુઆરીના રોજ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને વેસ્ટ બેન્ક વિસ્તારમાં ઈઝરાયલની 'સતત વિસ્તારવાદી નીતિઓ' સામે મોરચો માંડ્યો છે.
શું છે આ સમગ્ર વિવાદ?
પેલેસ્ટાઇન ભૌગોલિક રીતે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલું છે:
1. ગાઝા પટ્ટી(Gaza Strip): જ્યાં લાંબા સમયથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.
2. વેસ્ટ બેન્ક(West Bank): આ એ વિસ્તાર છે જ્યાં ઈઝરાયલ સતત પોતાની યહૂદી વસાહતો(Settlements) વધારી રહ્યું છે. મુસ્લિમ દેશોનો આરોપ છે કે ઈઝરાયલ અહીં ગેરકાયદેસર રીતે પોતાની સાર્વભૌમત્વ લાદવા અને પેલેસ્ટાઇનની જનતાને વિસ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે.
8 મુસ્લિમ દેશોના વિરોધનું મુખ્ય કારણ
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને UAE સહિતના આ દેશોનું માનવું છે કે જો ઈઝરાયલ વેસ્ટ બેન્કની જમીન પર યહૂદી વસાહતોનું નિર્માણ ચાલુ રાખશે, તો ભવિષ્યમાં એક 'સ્વતંત્ર પેલેસ્ટાઇન દેશ' બનાવવો ભૌગોલિક રીતે અશક્ય બની જશે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત 'ટુ-સ્ટેટ સોલ્યુશન' (બે-રાષ્ટ્ર ઉકેલ)માં સૌથી મોટો અવરોધ છે. ઈઝરાયલની સુરક્ષા કેબિનેટે હાલમાં જ યહૂદીઓ માટે જમીન ખરીદવી સરળ બને તેમજ દાયકાઓ જૂના નિયમોમાં ફેરફાર કરીને યહૂદી નાગરિકોને ખાનગી રીતે જમીન ખરીદવાની છૂટ આપવાના નિર્ણયને પણ મુસ્લિમ દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
આ પણ વાંચો: મસ્કની સ્પેસએક્સનો મંગળ પ્લાન અટવાયો, હવે ચંદ્ર પર સિટી બનાવશે
આંતરરાષ્ટ્રીય કાયદો અને ICJનો અભિપ્રાય
સંયુક્ત રાષ્ટ્ર (UN) અને આંતરરાષ્ટ્રીય અદાલત (ICJ)ના મતે, 1967ના યુદ્ધ પછી ઈઝરાયલે જે વેસ્ટ બેન્ક પર કબજો કર્યો છે, ત્યાં વસાહતો બનાવવી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. 8 દેશોના વિદેશ મંત્રીઓએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ 2334 અને 2024ની આંતરરાષ્ટ્રીય ન્યાયાલયની સલાહનો હવાલો આપતા જણાવ્યું કે, ઈઝરાયલની હાજરી અને તેની નીતિઓ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.
શાંતિની અપીલ
આ દેશોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને વિનંતી કરી છે કે તેઓ પોતાની નૈતિક જવાબદારી નિભાવે અને ઈઝરાયલને વેસ્ટ બેન્કમાં તણાવ વધારતા રોકે. નિવેદનમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઇનના લોકોને સ્વતંત્ર રાષ્ટ્રનો અધિકાર મળે અને 'ટુ-સ્ટેટ સોલ્યુશન' લાગુ થાય તે જ કાયમી શાંતિનો એકમાત્ર માર્ગ છે. ઉલ્લેખનીય છે કે આ એ જ આઠ દેશો છે જે અગાઉ ગાઝા યુદ્ધ રોકવા માટે ટ્રમ્પ પ્રશાસન સાથે મળીને યોજના બનાવી ચૂક્યા છે.


