- મૂન પર 'સેલ્ફ ગ્રોવિંગ સિટી'નો પ્લાન
- મૂન પર ડેટા સેન્ટરો બનાવીને સ્ટારલિંક સિસ્ટમની જેમ સફળતા હાંસિલ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે
કેલિફોર્નિયા : ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે તેના સ્પેસ પ્લાનમાં ફેરફાર જાહેર કર્યો છે. થોડા સમય પહેલા મંગળ ગ્રહ પર વસાહત બનાવવાની જાહેરાત કરનાર ઈલોન મસ્કે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કહ્યું કે, સ્પેસએક્સ ચંદ્ર પર સેલ્ફ ગ્રોવિંગ સિટી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પ્લાનને ૧૦ વર્ષથી ઓછા સમયમાં પૂર્ણ કરી શકાશે. મંગળના પ્લાન માટે ૨૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
વોલસ્ટ્રીટ જર્નલના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સ્પેસએક્સે રોકાણકારોને કહ્યું છે કે, ચંદ્ર મિશનને પ્રાથમિકતા આપવામાં આવશે અને ત્યારબાદ મંગળ યાત્રા માટે પ્રયાસો શરૂ કરવામાં આવશે. સ્પેસએક્સ ૨૦૨૭માં માનવરહિત મૂન લેન્ડિંગને ટારગેટ કરી રહ્યું છે. મસ્કે ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં એક્સ પર કહ્યું હતું કે, ૨૦૨૬ના અંત સુધીમાં માનવરહિત મંગળ મિશન શરૂ કરવામાં આવશે.
મસ્કના મૂન મિશનને જાણકારો સ્પેસમાં ડેટા સેન્ટરો બનાવવાના કંપનીની યોજના તરીકે જોઈ રહ્યાં છે. એઆઈ ક્ષેત્રમાં વિકાસ સાથે કમ્પ્યુટિંગ પાવરની માંગમાં વધારો થયો છે. સ્પેસએક્સની આવકનો મોટો હિસ્સો તેમની સ્ટારલિંક સિસ્ટમ છે. મસ્કને આશા છે કે, આ સિસ્ટમની સફળતાની જેમ જ ડેટા સેન્ટરો સફળ રહેશે.


