Get The App

ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર: વાળુકડ ગામે જાહેરમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાના દ્રશ્યો કેમેરામાં કેદ 1 - image


Bhavnagar Crime News: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં શનિવારે (28મી માર્ચ) રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે. 29 વર્ષીય યુવાનની અજાણ્યા શખસોએ જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા એક કારચાલકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી.

જાહેરમાં આડેધડ છરીના ઘા ઝીંક્યા

મળતી માહિતી અનુસાર, વાળુકડ ગામમાં રહેતા 29 વર્ષીય રવિ કલોતરા પર શનિવારે રાત્રે અચાનક હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ રવિના પેટના ભાગે ઉપરાઉપરી છરીના ઘા ઝીંક્યા હતા. હુમલો એટલો ભયાનક હતો કે રવિ ગંભીર રીતે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ઢળી પડ્યો હતો. સ્થાનિકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 'નો રિપીટ' થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ

પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે

હત્યાની જાણ થતા જ ASP, સીટી Dy.SP તેમજ વરતેજ પોલીસનો મોટો કાફલો તાત્કાલિક વાળુકડ ગામે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને કેટલાક મહત્ત્વના પુરાવાઓ પણ હાથ લાગ્યા છે.

વીડિયો ફૂટેજ અને તપાસના ચક્રો ગતિમાન

આ હત્યાની ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત નાગરિકે પોતાની કારમાંથી મોબાઈલ દ્વારા હુમલાના દ્રશ્યો કેદ કર્યાં હતા. આ વીડિયો ફૂટેજ હવે પોલીસ માટે હત્યારાઓ સુધી પહોંચવા માટેનું મહત્ત્વનું સાધન સાબિત થઈ શકે છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ હોઈ શકે તે દિશામાં વરતેજ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.