Get The App

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 'નો રિપીટ' થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની 'નો રિપીટ' થીયરી! સતત 3 ટર્મ ચૂંટણી જીતનાર કે લડનારને આરામ 1 - image


BJP No Repeat Theory: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જોકે, આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે માર્ગદર્શિકા બનાવવાનું નક્કી કર્યું છે. જો આ નિયમ આધારે ટિકિટ આપવામાં આવશે તો ભાજપના ઘણા દિગ્ગજોને ઘેર બેસવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે.

પક્ષમાં 9 વર્ષથી સક્રિય સભ્યને ટિકિટની તક 

3 દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદીશ વિશ્વકર્મા માટે આ ચૂંટણીઓ અગત્યની છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી ચૂંટણીઓ છે. સીઆર પાટીલની વિદાય બાદ હવે જગદીશ વિશ્વકર્માનો વારો છે. ગુજરાતમાં સંગઠનમાં ફેરફાર કરી જૂના જોગીઓને પણ તક અપાઈ છે ત્યારે હવે આ ચૂંટણીઓ વિશ્વકર્માનું કદ સાબિત કરશે.

સૂત્રોના મતે, આ વખતે ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વય મર્યાદા હોય તેને ટિકિટ નહીં મળે. આ ઉપરાંત, સતત ત્રણ ટર્મ સુધી ચૂંટણી જીતનાર કે લડનાર આગેવાનોને રાજકીય આરામ આપવામાં આવશે. એન્ટી-ઈન્કમ્બન્સીની સાથે સાથે યુવા ચહેરાઓને તક આપવાના ભાગરૂપે ભાજપે ‘નો-રિપીટ’ થીયરી લાગુ કરવાનું મન બનાવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં વીજળીના કડાકા સાથે માવઠું પડશે?

ભાજપ નવા યુવા ચહેરાઓને પણ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોને ટિકિટ આપી શકે છે

ભાજપની ટિકિટ મેળવવા માટે પક્ષ પ્રત્યેની વફાદારી અને અનુભવ પણ જોવામાં આવશે. ઓછામાં ઓછી ૯ વર્ષ સુધી પક્ષમાં સક્રિય સભ્ય હોય તેને જ ચૂંટણી મેદાનમાં ઉતારવા માટે પક્ષે પ્રાથમિકતા દાખવી છે. વધુમાં, સંગઠનમાં જેઓ પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્ત્વના હોદ્દા પર બિરાજમાન છે, તેમને કોર્પોરેશન ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવશે નહીં. જોકે, અન્ય હોદ્દેદારોના કિસ્સામાં પક્ષ વિચારણા કરી શકે છે. જો નિયમ લાગુ થશે તો ત્રણ ટર્મથી ઉપરના અથવા તો 60 વર્ષથી ઘણા કાઉન્સિલરો-નેતાઓના પત્તા કપાશે. આ વખતે જૂના જોગીઓના પત્તા કાપવાનું લગભગ નક્કી છે. આમ ભારતીય જનતા પાર્ટીએ નવા યુવા ચહેરાઓને પણ પક્ષના સંનિષ્ઠ કાર્યકરોને ટિકિટ આપવા નક્કી કર્યું છે.