Valsad News: વલસાડ જિલ્લામાં આવેલા ભિલાડમાં પોતાની જ સગીર ભાણેજને કપડા અપાવવાના બહાને લઈ જઈ જંગલમાં દુષ્કર્મ આચરવાના અતિ ઘૃણાસ્પદ કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી પિતરાઈ મામાને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. સંબંધોને લાંછન લગાડતી આ ઘટનામાં કોર્ટે કડક વલણ અપનાવી પીડિતા ભાણેજને ન્યાય અપાવ્યો છે.
શું છે સમગ્ર કેસ?
વર્ષ 2022માં ભિલાડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 13 વર્ષીય સગીરાને તેના જ પિતરાઈ મામાએ લલચાવી-ફોસલાવી હતી. 01-06-22ના દિવસે આરોપી પિતરાઈ મામો ભાણેજને બજારમાં નવા કપડા અપાવવાનું બહાનું કરી પોતાની સાથે લઈ ગયો હતો. પરંતુ બજાર જવાને બદલે તે સગીરાને જંગલના એકાંત વિસ્તારમાં લઈ ગયો હતો, જ્યાં તેણે ભાણેજની માસૂમિયતનો લાભ ઉઠાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પોક્સો એક્ટ હેઠળ નોંધાયો હતો ગુનો
પીડિતાએ ઘરે પરત ફરીને પરિવારને પોતાની આપવીતી જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે હિંમત દાખવી ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપી સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
આ કેસની સુનાવણી વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલએ પીડિતાની જુબાની, સાક્ષીઓના નિવેદનો અને મેડિકલ રિપોર્ટ જેવા સજ્જડ પુરાવાઓ રજૂ કર્યા હતા. ન્યાયાધીશ એચ.એન. વકીલે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપીને દોષિત ઠેરવ્યો હતો, કોર્ટે આરોપીને 20 વર્ષની જેલની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પીડિતાને થયેલા અન્યાય અને માનસિક આઘાતને ધ્યાને રાખીને, 'ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ' હેઠળ રૂ. 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.


