Get The App

ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી કેનાલમાં અપાશે સિંચાઈનું પાણી 1 - image

Big Relief for Gujarat Farmers: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચાલુ વર્ષે રવિ સિઝન મોડી શરૂ થઈ હોવાથી ખેડૂતોની રજૂઆતોને ધ્યાને રાખીને જળ સંપત્તિ વિભાગ હેઠળની કેનાલોમાં આગામી 30મી એપ્રિલ 2026 સુધી સિંચાઈનું પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યના લાખો ખેડૂતોને તેમના રવિ પાકને બચાવવામાં મોટી મદદ મળશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું શરૂ થયું હતું અને ખૂબ મોડું પૂર્ણ થયું હતું. કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ખરીફ પાકને નુકસાન થયું હતું અને જમીનમાં ઓતરા વધુ હોવાને કારણે રવિ સિઝનની વાવણી પણ સમય કરતાં ઘણી મોડી થઈ હતી. સામાન્ય રીતે, ફેબ્રુઆરી માસના અંત સુધી જ કેનાલોમાં પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે લણણી મોડી થવાની શક્યતા હોવાથી ખેડૂત આગેવાનોએ પાણી આપવાની મુદત વધારવા માંગ કરી હતી.

આ પણ વાંચો: ગાંધીનગર: માથે લાકડા અને સિલિન્ડર લઈને વિધાનસભા પહોંચ્યા કોંગ્રેસના ધારાસભ્યો, ગેસની તંગી મુદ્દે વિરોધ પ્રદર્શન

ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવાયો નિર્ણય

ખેડૂતોની આ માંગણી અંગે ગત 11મી માર્ચ 2026ના રોજ સરકારની એક ઉચ્ચ કક્ષાની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીવાના પાણીના જથ્થા અને અન્ય આરક્ષિત જળસંગ્રહની સમીક્ષા કરવામાં આવી હતી. અંતે ખેડૂતોના આર્થિક હિતને સર્વોપરી ગણીને, રવિ પાક પૂર્ણ ન થાય ત્યાં સુધી એટલે કે 30મી એપ્રિલ સુધી સિંચાઈનું પાણી છોડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુદ્દતમાં વધારો થતા મોડી વાવણી કરનાર ખેડૂતોના ઘઉં, જીરું અને ચણા જેવા પાકોને જીવતદાન મળશે. પીવાના પાણીની વ્યવસ્થાને જાળવી રાખીને જ સિંચાઈ માટેનું પાણી ફાળવવામાં આવશે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી ખેડૂત આલમમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેનાલ કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આનો સીધો ફાયદો થશે.