Valsad News: વલસાડ જિલ્લા દક્ષિણ વન વિભાગ દ્વારા આજે મંગળવારે ઉમરગામના મલાવ ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સરકારી કાર્યક્રમોની શોભા વધારવા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવાની વહીવટી તંત્રની એક ગંભીર અને સંવેદનહીન બેદરકારી આ કાર્યક્રમમાં સામે આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે કલાકો સુધી તડકામાં ઊભા રાખવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી, જેમાં બે વિદ્યાર્થીઓ ચક્કર આવવાના કારણે જમીન પર ઢળી પડ્યા હતા.
ભીડ એકઠી કરવા 150થી વધુ વિદ્યાર્થીઓને બોલાવાયા
આ સરકારી કાર્યક્રમમાં માત્ર હાજરી અને શોભા વધારવા માટે તુંબ ગામની શાળાના ધોરણ 9 અને 10ના 150થી વધુ વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા હતા. મંચ પરથી નેતાઓ અને અધિકારીઓના ભાષણો અને કાર્યક્રમની શરૂઆત થઈ, પરંતુ બીજી તરફ કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે આ માસૂમ બાળકો લગભગ એક કલાક સુધી ખુલ્લા તડકામાં ઊભા રહ્યા હતા.
ગરમીથી બાળકો રેબઝેબ થયા, બે વિદ્યાર્થીઓ બેભાન થતાં દોડધામ
અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને તેમની સ્થિતિ દયનીય બની હતી. આ આકરી ગરમી સહન ન થઈ શકવાને કારણે બે વિદ્યાર્થીઓને ચક્કર આવી ગયા હતા અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ગંભીર બાબત એ છે કે બાળકોની તબિયત બગડ્યા પછી પણ તેમને સમયસર યોગ્ય તબીબી સારવાર મળી ન હતી, જે વહીવટી તંત્રની ક્રૂર સંવેદનહીનતા દર્શાવે છે.
ઘેટાં-બકરાની જેમ ટેમ્પોમાં ભરીને લવાયા માસૂમ બાળકો
તંત્રની બેદરકારી માત્ર કાર્યક્રમ સ્થળ પૂરતી સીમિત ન હતી. તુંબ શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લાવવા અને લઈ જવા માટે કોઈ સુરક્ષિત વાહનની વ્યવસ્થા કરવાને બદલે, શાળા સંચાલકો દ્વારા બાળકોને માલવાહક ટેમ્પોમાં ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરીને લાવવામાં આવ્યા હતા અને એ જ રીતે પરત લઈ જવાયા હતા. કોઈપણ જાતની સુરક્ષા કે સુવિધા વિના વિદ્યાર્થીઓને આ રીતે લાવવા-લઈ જવા એ પ્રશાસન અને શાળા તંત્રની ઘોર લાપરવાહી છતી કરે છે.
આ પણ વાંચો: NEET બાદ હવે UPSC પેપર લીકની આશંકા, કોચિંગ ક્લાસના મટીરિયલમાંથી સવાલો પૂછાયા હોવાનો આરોપ
સરકારી કાર્યક્રમોની ભીડ પાછળ માસૂમોના સ્વાસ્થ્યનો ભોગ કેમ?
એક તરફ પર્યાવરણ બચાવવા માટે 'એક પેડ મા કે નામ' જેવા પ્રશંસનીય અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ તેની પાછળ છુપાયેલી વહીવટી તંત્રની સંવેદનહીનતા અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. શું સરકારી કાર્યક્રમોમાં માત્ર સ્ટેજની શોભા વધારવા અને ભીડ એકઠી કરવા માટે માસૂમ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું કેટલું યોગ્ય છે? સૌથી મોટો અને શરમજનક સવાલ એ છે કે, ડિજિટલ અને સુરક્ષિત ગુજરાતના દાવાઓ વચ્ચે શાળાના નિર્દોષ બાળકોને માલવાહક ટેમ્પોમાં ઘેટાં-બકરાની જેમ ખીચોખીચ ભરીને લાવવા-લઈ જવાની મંજૂરી કોણે આપી? જો આ પરિવહન દરમિયાન કે ગરમીના કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત, તો તેની જવાબદારી કોની? વન વિભાગ, શાળા સંચાલકો કે પછી સ્થાનિક વહીવટી તંત્ર?


