Get The App

વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશને મોટી દુર્ઘટના, સ્ટ્રક્ચર ધરાશાયી થતાં એકનું કરુણ મોત 1 - image

Vadodara News: સિંગાપુર અને શાંઘાઈ જેવા વિદેશી શહેરોની તર્જ પર બનેલા વડોદરાના આંતરરાષ્ટ્રીય સ્તરના સેન્ટ્રલ બસ ટર્મિનલમાં આજે (10મી એપ્રિલ) એક મોટી દુર્ઘટના ઘટી છે. ટર્મિનલના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પાસે સ્લેબનો એક ભાગ ધરાશાહી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનાએ કરોડોના ખર્ચે બનેલા આ પ્રોજેક્ટની ગુણવત્તા અને તેની જાળવણી કરી રહેલી એજન્સીની ગંભીર બેદરકારી ખુલ્લી પાડી છે.

ઘટનાની વિગત અને બચાવ કામગીરી

મળતી માહિતી અનુસાર, બસ સ્ટેશનના ઉપરના હિસ્સાનું બાંધકામ અચાનક તૂટી પડ્યું હતું. ભારેખમ સ્ટ્રક્ચર નીચે આવતા ત્યાં હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કાટમાળ ખસેડીને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવી હતી.પોલીસે સુરક્ષાના કારણોસર સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

PPP મોડલ અને કરોડોનો ખર્ચ છતાં સુરક્ષા શૂન્ય

વડોદરાનું આ બસ ટર્મિનલ ગુજરાતના આધુનિક પ્રોજેક્ટ્સમાંનું એક ગણાય છે, અંદાજે 110 કરોડના ખર્ચે 20,300 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ટર્મિનલ PPP (Public-Private Partnership) મોડલ હેઠળ બનાવાયું છે. Sphere Cube Infrastructure Pvt. Ltd. નામની કંપનીને આગામી 31 વર્ષ સુધી આ ટર્મિનલના સંચાલન અને જાળવણીની જવાબદારી સોંપવામાં આવી છે. સિંગાપુર, શાંઘાઈ અને હોંગકોંગ જેવા આંતરરાષ્ટ્રીય શહેરોના બસ સ્ટેશનોનો અભ્યાસ કરીને આ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના શંકાસ્પદ મોત મામલે 30થી 35 લોકોની પૂછપરછ, પરિવારનું એક જ રટણ

સિક્યુરિટી અને મેન્ટેનન્સની બેદરકારી

આ ઘટનાએ ટર્મિનલની મેન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા અને આંતરરાષ્ટ્રીય ધોરણો ધરાવતા ટર્મિનલમાં આવી ઘટના બનતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સંચાલન સંભાળતી કંપનીની જવાબદારી સામે પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે.