Food Poisoning Suspected After Dosa Meal In Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું લાવીને ઢોસા બનાવી ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ અત્યાર સુધીમાં પરિવારના સભ્યો સહિત અંદાજે 30થી 35 લોકોની પૂછપરછ કરી ચૂકી છે. પરિવાર હજુ પણ ખીરુંના કારણે જ ઝેરી અસર થઈ હોવાની વાત પર મક્કમ છે, પરંતુ પોલીસ ઘટના પાછળના અન્ય પાસાઓ પણ તપાસી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, પોલીસે ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી છે, જેમાં પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હોવાનો ઉલ્લેખ મળી આવ્યો છે. તેમજ માનતા પણ રાખી હતી. ત્યારે કેસમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા તથા અન્ય કારણ હોય શકે છે.
ઘરના સભ્યોની પૂછપરછ કરાઈ
ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું કે, 'આ કેસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. અમે વિપુલ, વિમલ, ભાવના અને દાદા સહિત ઘરના તમામ સભ્યોની આંતરિક પૂછપરછ કરી રહ્યા છીએ. જોકે, બાળકીઓના માતા-પિતા હજુ પણ આઈસીયુ (ICU)માં સારવાર હેઠળ છે. તેની તબિયત હાલ સ્ટેબલ હોવાનું કહેવાય છે, પરંતુ હજુ પણ તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પરંતુ આ ઘટના મોટાભાગે ઘરની અંદર જ થઈ હોય તેવું લાગે છે અને તેથી જ અમે તે દિશામાં વધુ તપાસ કરી રહ્યા છીએ.'
એફએસએલ રિપોર્ટ અંગે પીઆઈએ જણાવ્યું કે, '4 વર્ષની બાળકીના પીએમ રિપોર્ટ માટે એફએસએલ પેન્ડિંગ છે જે કદાચ આવતીકાલ સુધીમાં આવી જશે. અમે અત્યાર સુધીમાં અંદાજે 30થી 35 લોકોની પૂછપરછ કરી છે અને જો કે, તપાસ સોંપવા અંગેનો કોઈ સત્તાવાર પત્ર મળ્યો નથી, છતાં ક્રાઈમ બ્રાન્ચ પણ અમારી સાથે રહીને આ કેસમાં મદદ કરી રહી છે.'
ચાંદખેડા પીઆઇએ જણાવ્યું કે, 'મૃતક બાળકીઓના પિતા વિમલને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે અને એની પૂછપરછ ચાલી રહી છે. તે ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ મોત થયો હોવાનું રટણ કરી રહ્યો છે. બીજા જવાબ આપવાનું ટાળી રહ્યો છે.'
શું હતી સમગ્ર ઘટના?
ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


