Get The App

વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાના મકરપુરામાં યુવતીએ બિલ્ડિંગ પરથી કુદીને જીવન ટૂંકાવ્યું, પોલીસે તપાસ આદરી 1 - image


Vadodara News: વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 20 વર્ષીય યુવતીએ તેના ફ્લેટમાંથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં યુવતી ઉપરથી નીચે પટકાતી સ્પષ્ટ જોઈ શકાય છે.

શું છે સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, મકરપુરા વિસ્તારમાં 20 વર્ષીય યુવતી કૃતિ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહેતી હતી. 31મી જાન્યુઆરીના રોજ તેણે અચાનક ફ્લેટમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જોરદાર અવાજ આવતા જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલી યુવતીને જોઈ તુરંત 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં 120 કિલો ચાંદીની ચોરી, વેપારીના ઘરે મોડી રાત્રે 3 તસ્કરો કાર લઈને ત્રાટક્યાં

પોલીસ તપાસ અને રહસ્ય

આ ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ, આ યુવતીએ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલ તે ઘરે જ રહેતી હતી. આ યુવતીની માનસિક સ્થિતિ સારી નહીં હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી.

ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા'

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.