VIDEO: 'હવે આ કિટલી જ મારું કાર્યાલય...' રાજપીપળામાં ચૂંટણી જીત્યા બાદ ગીતાબેન પાટણવાડીયા કામે લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajpipla News: નર્મદાના રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે શહેરમાં ચાની કિટલી ચલાવી રોજગારી મેળવતા મહિલા ગીતાબહેન પાટણવાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને નગરપાલિકાની ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા. સામાન્ય જનજીવન સાથે જોડાયેલા ગીતાબહેનને ભાજપ તરફથી ઉમેદવારી મળતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. આમ ચૂંટણી પરિણામ આવતાં ગીતાબહેનની જીત થતાં રાજપીપળા નગરપાલિકામાં વૉર્ડ નંબર 7માં તેઓ કોર્પોરેટર બન્યા હતા.
ચાની કિટલી ચલાવતા બહેન બન્યા કોર્પોરેટર
ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબહેન ઘરેઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા હતા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબહેન વિજેતા જાહેર થતાં તેમની ખુશીનો પાર રહ્યો નહોતો!
જીત બાદ ગીતાબહેન જણાવ્યું હતું કે, “આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે.”
ચાની કિટલીના સ્થળે હવે કાર્યાલય!
હાલમાં ગીતાબહેન પોતાના રોજગાર માટે ચલાવતા ચાની કિટલીના ધંધાને ચાલુ રાખશે અને આ સાથે તેઓ હવે એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે.
સ્થાનિક રહીશો પણ ગીતાબહેનના આ પ્રયાસને બિરદાવે છે. આજુબાજુના લોકોનું માનવું છે કે, 'એક સામાન્ય પરિવારથી આવતી અને મહેનત કરીને જીવન ચલાવતા બહેન જ્યારે પ્રતિનિધિ બને છે ત્યારે તે જનતાની વાસ્તવિક સમસ્યાઓ વધારે સારી રીતે સમજી શકે છે.'
સ્થાનિકોનો ગીતાબહેન પર વિશ્વાસ
રહીશોએ આશા વ્યક્ત કરી છે કે, ગીતાબહેન વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઇટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે. આ ચૂંટણીમાં ગીતાબહેન પાટણવાડિયાની જીતને લોકો “સામાન્ય માણસના પ્રતિનિધિની જીત” તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવી એક ઉદાહરણ ઊભું કર્યું છે કે મહેનત અને વિશ્વાસ હોય તો સામાન્ય જીવન જીવતી વ્યક્તિ પણ જનસેવા માટે મોટું સ્થાન મેળવી શકે છે.
હવે સમગ્ર શહેરની નજર ગીતાબહેનના કાર્ય પર છે અને લોકો આશા રાખી રહ્યા છે કે, તેઓ વિકાસકાર્યોને આગળ ધપાવી રાજપીપળા શહેરને વધુ સુવિધાસભર અને સ્વચ્છ બનાવવા મહત્ત્વની ભૂમિકા ભજવશે.









