Get The App

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો વાઈરલ

Updated: Mar 28th, 2026

GS TEAM

Google News
Google News
સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો વાઈરલ 1 - image

Surat News: સુરતના બારડોલીમાં રમાઈ રહેલી 'ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ' અત્યારે રમતને કારણે નહીં, પણ એક શરમજનક વાઈરલ વીડિયોને કારણે ચર્ચામાં છે. સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં જ્યારે ખેલાડીઓ પરસેવો રેડી રહ્યા હતા, ત્યારે પ્રેક્ષક ગેલેરીમાં બેસીને એક યુવક બેખૌફ રીતે જાહેરમાં બિયર ઢીંચી રહ્યો હતો. આ ઘટનાએ સુરત પોલીસ અને ટૂર્નામેન્ટના આયોજકોની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

શું બુટલેગરના પુત્રને પોલીસનો ડર નથી?

વાઈરલ વીડિયોમાં દેખાતો યુવક બારડોલીના એક જાણીતા બુટલેગરનો પુત્ર મેહુલ હસુ રાઠોડ હોવાનું સામે આવ્યું છે. ચાલુ મેચમાં જ્યાં અનેક લોકો હાજર હોય અને બાઉન્સરો ખડે પગે હોય, ત્યાં આટલી હિંમત ક્યાંથી આવી? સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પિતાના કથિત ગેરકાયદે કાળો કારોબાર અને 'વગ'ને કારણે તેને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

સુરક્ષા વ્યવસ્થા માત્ર ખાલી દેખાડો?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યાં આ યુવક બિયર પી રહ્યો હતો, ત્યાં બરાબર તેની પાછળ જ બાઉન્સર ઊભો હોવાનું વીડિયોમાં દેખાય છે. છતાં પણ બાઉન્સરને કે આયોજકોને આ નશાખોરી કેમ ન દેખાઈ? શું સુરક્ષાના નામે માત્ર દેખાડા કરવામાં આવતા હતા. બારડોલી પોલીસ મોટા આયોજનમાં હાજર હતી કે નહીં? જો હતી તો બુટલેગર પુત્રએ કેમ આવી હિમાકત કરી? ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં, સ્ટેડિયમ જેવી જાહેર જગ્યાએ બિયરની બોટલ પહોંચી કેવી રીતે? શું ચેકિંગ માત્ર નામનું જ હતું? આયોજકોએ આટલી મોટી ટૂર્નામેન્ટમાં નશાખોરી રોકવા માટે શું વ્યવસ્થા કરી હતી? શું તેઓએ જાણી જોઈને આ જોયું-અણજોયું કર્યું?

રહી રહીને જાગી પોલીસ

વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાતા જ બારડોલી પોલીસ સફાળી જાગી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મેહુલ રાઠોડની અટકાયત કરી તેને મેડિકલ ચેકઅપ માટે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. મેડિકલ રિપોર્ટમાં તે નશામાં હોવાનું સાબિત થતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો, 100થી વધુના ટોળા સામે ગુનો, 15ની ધરપકડ

હવે તપાસનો ગાળિયો આયોજકો ફરતે

પોલીસે માત્ર યુવક જ નહીં, પણ ટૂર્નામેન્ટના આયોજકોને પણ પૂછપરછ માટે તેડું મોકલ્યું છે. સ્ટેડિયમની અંદર નશો કરનાર વ્યક્તિ કેવી રીતે ઘૂસી તે અંગે આયોજકોના નિવેદન લેવામાં આવશે. જો આયોજકોની બેદરકારી જણાશે, તો તેમની સામે પણ કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.