Mob Attacks Police Team in Dharji Village Ahmedabad: અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથકની હદમાં આવતા ધરજી ગામે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. ધરજી ગામમાં દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ હિંસક હુમલો કર્યો છે. આ ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. નળ સરોવર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલામાં સામેલ 100થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે મુખ્ય આરોપી સહિતના આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને દોડાવી-દોડાવીને માર માર્યો
મળતી માહિતી અનુસાર, નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે 100થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓને નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી.
મુખ્ય આરોપી રંગા સહિત કુલ 15 જેટલા શખ્સોની ધરપકડ
નળ સરોવર નજીકના ધરેજી ગામમાં પોલીસ ટીમ પર થયેલા હુમલાની ઘટનામાં તાજેતરના અહેવાલો મુજબ ધરપકડનો દોર તેજ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી આત્મારામ ઉર્ફે રંગા તેમજ અન્ય સાગરીતો સહિત કુલ 15 જેટલા શખ્સોની ધરપકડ કરી છે. અંદાજે 100 લોકોના ટોળા સામે ગુનો નોંધીને પોલીસે અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બે પોલીસ કર્મચારીઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


