Get The App

હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિક વારસો કરાયો સુરક્ષિત 1 - image


Kashtbhanjan Dev Salangpur Legal Protection: કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો ભવિષ્યમાં કોઈ ખોટો કે વ્યાવસાયિક ગેરઉપયોગ ના કરી શકે તે માટે તેને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

કૉપીરાઇટ  અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા 

મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વપ્રસિદ્ધ "કિંગ ઓફ સાળંગપુર"ની વિશાળ પ્રતિમા સહિત દાદાના વિવિધ સ્વરૂપોના કૉપીરાઇટ  અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા છે. આ તમામ સર્ટિફિકેટ્સ આજે ભાવપૂર્વક હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરાયા હતા.

આગામી પેઢીઓ માટે વારસાનું સંરક્ષણ

સાળંગપુર ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિનું પરમ કેન્દ્ર છે. આ પવિત્ર ધામની ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાને આગામી પેઢીઓ સુધી તેના મૂળ સ્વરૂપમાં સુરક્ષિત રાખવાના શુભ હેતુથી વિવિધ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) હકોની નોંધણી કરવામાં આવી છે. આ અંતર્ગત હવે હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓ કાયદાકીય રીતે સુરક્ષિત બની ગઈ છે.

"કાયદાકીય કવચ એ સમયની માંગ છે"

આ ઐતિહાસિક પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, "ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે."

આ પણ વાંચો: એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભેંકાર રાત યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ

મંદિર પ્રશાસનના આ નિર્ણયથી હવે સાળંગપુર ધામની આધ્યાત્મિક ધરોહર કાયદાકીય રીતે સુરક્ષિત થઈ ગઈ છે, જેને સોશિયલ મીડિયા અને ધાર્મિક જગતમાં ખૂબ જ આવકારવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ અને જટિલ કાયદાકીય પ્રક્રિયાને દેશની અગ્રણી લો ફર્મ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ આઈ.પી. ક્ષેત્રના જાણીતા નિષ્ણાતના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો.