Get The App

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ

Updated: Jun 11th, 2026

GS TEAM

Google News
Google News
એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ 1 - image

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટનાને કાલે એક વર્ષ પૂરું થશે. 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171 મેઘાણીનગરની બી. જે. મેડિકલ કોલેજની મેસની બિલ્ડિંગ પર ક્રેશ થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં 260 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ દુર્ઘટનાના એક વર્ષે, સિવિલ હોસ્પિટલના એ ડૉક્ટર્સ જેમણે સતત 12 કલાક પોસ્ટમોર્ટમ કર્યા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરી, તેમણે તે દિવસનો ભયાનક અનુભવ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે શેર કર્યો છે. વાંચો ડૉક્ટર્સની જુબાની, જેમના શબ્દો આજે પણ હૃદય કંપાવી દે તેવા છે. 

બાળકોને જોઈ મને મારા બાળકો યાદ આવી ગયા હતા: ડૉ. ધર્મેશ પટેલ (HoD, ફોરેન્સિક મેડિસિન)

એક ડૉક્ટર તરીકે અને અમારા વિદ્યાર્થીઓ પણ રોજબરોજ પોસ્ટમોર્ટમ કરે છે. અગાઉ પણ આવા ત્રણ-ચાર ડિઝાસ્ટર મેનેજમેન્ટના બનાવો ટેકલ કર્યા છે, પરંતુ એકસાથે 260થી પણ વધુ મૃતદેહ જોઈને અમારું હૃદય પણ દ્રવી ઉઠ્યું હતું. ખાસ કરીને જ્યારે મેં નાના બાળકોના માતા-પિતાને કલ્પાંત કરતા જોયા, ત્યારે મને મારા પોતાના બાળકો યાદ આવી ગયા અને મારી આંખો પણ ભીની થઈ ગઈ હતી, જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં. એ દિવસે આખી કામગીરી પાર પાડવી અમારા માટે ખૂબ જ પડકારજનક હતી. મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમમાં આવવા લાગ્યા, ત્યારે અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલ મુજબ તેમનું લેબલિંગ અને ટેગિંગ કર્યું અને પોલીસ પાસેથી યોગ્ય કાગળો મેળવીને કામ  શરૂ કર્યું. મારી ફોરેન્સિક વિભાગની 30 સભ્યોની ટીમ સાથે તાત્કાલિક 100 મેડિકલ ઓફિસર ડેપ્યુટ કર્યા. અલગ-અલગ ટીમો બનાવી, જેમાં એક ટીમ બોડી રિસીવ કરીને ટેગિંગ કરતી, બીજી સેમ્પલ લેવા અને રિપોર્ટ લખવાનું માર્ગદર્શન આપતી, ત્રીજી ટીમ સેમ્પલ પોલીસને સોંપતી, ચોથી ટીમ બોડી અને તેના ભાગોને કોલ્ડ સ્ટોરેજમાં યોગ્ય રીતે ગોઠવતી અને છેલ્લી ટીમ કોફિનમાં બોડી મૂકી ઓળખના સ્ટીકર લગાવી પૂરા સન્માન સાથે બોડી સગાવ્હાલાને સુપરત કરી. 

સૌથી મોટો પડકાર: આ ઘટનામાં મૃતદેહોની ઓળખ સૌથી મહત્ત્વની હતી, તેથી અમે મુખ્યત્વે DNA મેચિંગનો નિર્ણય લીધો. આ માટે અમે મૃતદેહોમાંથી હાડકાં, દાંત અને બોડી ટિશ્યુના સેમ્પલ લીધા અને તેને FSLમાં મોકલ્યા. મૃતકોના સગાના બ્લડ સેમ્પલ લેવાયા અને FSL દ્વારા બંનેના રિપોર્ટ મેચ કરીને કયો મૃતદેહ કયા સગાનો છે તે પાક્કું કરાયું. જો કે, આ પ્રક્રિયામાં અમને એક મોટો ચેલેન્જ ટ્વિન બેબીના કિસ્સામાં આવ્યો કેમ કે તેમાં માત્ર ડીએનએ મેચિંગ પૂરતું ન હતું. આવા કિસ્સામાં અમે ડીએનએની સાથે ટ્રેડિશનલ મેથડનો પણ ઉપયોગ કર્યો, જેમાં મૃતકોના કપડાં, ઘરેણાં અને તેઓ પ્લેનમાં બેઠા તે અગાઉના ફોટોગ્રાફ્સ મંગાવીને બંને ટ્વીન બાળકોમાંથી કોણ કયા નામનું છે તેની ઓળખ કરી આ કામ પાર પાડ્યું. 

પ્લેન ક્રેશમાં બચેલો એકમાત્ર યુવક વિશ્વાસ હાલમાં જ આભાર વ્યક્ત કરવા આવ્યો હતોઃ ડૉ. રાકેશ જોશી (સિવિલ સુપરિન્ટેન્ડન્ટ)

વર્ષની 12મી જૂનનો એ દિવસ અને એ પછીના 15-17 દિવસ હું ક્યારેય નહીં ભૂલું. આ શબ્દો સાથે વાતની શરૂઆત કરતા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડ ડૉ. રાકેશ જોષી કહે છે કે, હું ઓપરેશન થિયેટરમાં હતો, ત્યારે કૉલ આવ્યો કે હોસ્ટેલ પાસે ધુમાડા દેખાય છે. થોડી જ સેકન્ડોમાં બીજો કૉલ આવ્યો કે વિમાન ક્રેશ થયું છે. આ સાંભળતા જ મેં સાથી ડોક્ટરને ઓપરેશન સોંપી દીધું અને માસ કેઝ્યુઅલ્ટી ગ્રૂપમાં મેસેજ કર્યો કે, જે ફ્રી હોય તે ટ્રોમા સેન્ટર પહોંચી જાય. 50-60 મિનિટની અંદર જ 70 જેટલા ઘાયલ લોકો આવ્યા, જેમાં પહેલો દર્દી અમારો માળી હતો. 

એ ભૂલી ના શકાય એવી ક્ષણ: એ દિવસની હું એક ક્ષણ ક્યારેય નહીં ભૂલું, જ્યારે વિશ્વાસ નામનો બચી ગયેલો એક પીડિત વિમાનમાંથી બહાર નીકળીને આવ્યો હતો, જેને જોઈને અમને અંદાજ આવી ગયો કે સ્થિતિ કેટલી ગંભીર છે. અનેક લોકોની સારવાર પછી મેં જે દ્રશ્યો જોયા તે હચમચાવી દે તેવા હતા. બળેલા મૃતદેહો પોસ્ટમોર્ટમ રૂમમાં લવાતા હતા. ઓળખ DNA ટેસ્ટ વિના અશક્ય હોવાથી અમે ફોરેન્સિક હેડ ડો. ધર્મેશ પટેલની ટીમને સેમ્પલ લઈ FSL મોકલવાની જવાબદારી સોંપી, જ્યારે માઈક્રોબાયોલોજીના ડો. નીતા ખંડેલવાલની ટીમે સગાઓના સેમ્પલ લેવાનું શરૂ કર્યું. પ્લેન ક્રેશમાં બચી ગયેલો એકમાત્ર યુવક વિશ્વાસ હાલમાં જ અમારો આભાર માનવા આવ્યો હતો, જે પોતાના સ્વજનો ગુમાવ્યાના આઘાતમાંથી હજુ બહાર નથી આવી શક્યો.

PM રૂમમાં નાના બાળકની બોડી જોઈને અમે હચમચી ગયા હતાઃ ડૉ. રાધિકા ચાવડા

ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટમાં થર્ડ યર રેસિડેન્ટ ડોક્ટર રાધિકા ચાવડાએ પ્લેન ક્રેશ બાદના ભયાનક અનુભવ વિશે વાત કરે છે. તેઓ કહે છે કે, એ વખતે હું અને મારા કલિગ્સ લંચની તૈયારીમાં હતા. આ ઘટનાના સમાચાર સાંભળીને અમને વિશ્વાસ જ ના આવ્યો. અમારા એચઓડી અને ફેકલ્ટી મેમ્બર્સે આવીને અમને તરત જ બેઝિક તૈયારી સાથે પોસ્ટમોર્ટમ રૂમમાં જવા કહ્યું કારણ કે ત્યાં ડેડ બોડી આવવા લાગી હતી. એક પછી એક આવતી ડેડ બોડી જોઈને અમે હચમચી ગયા હતા, પરંતુ બધી લાગણીઓને દબાવીને કામ કરવાનું શરૂ કર્યું. પોસ્ટમોર્ટમ વખતે કોઈનું માત્ર માથું, હાથ કે પગ મળ્યા હોય તો એ ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ-અલગ અને જમણો ભાગ છે કે ડાબો તે અમારે ઓળખવાનું હતું, તેમજ ઓળખ માટે બોડી પર કોઈ ઘરેણાં છે કે કેમ તે પણ ખાસ જોવાનું હતું. DNA મેચિંગ માટે અમે હાડકાં, થર્ડ મોલર દાંત, સોફ્ટ ટિશ્યુ, લાંબા હાડકાં અને એકદમ બળી ગયેલી અને ઓળખી શકાય તેવી બોડીના બ્લડ સેમ્પલ કલેક્ટ કર્યા. આ બાદ બોડીને સેફ રાખવા કોલ્ડ સ્ટોરેજમાં શિફ્ટ કરતા લાગ્યા અને FSL કે DFSCના રિપોર્ટ સાથે DNA મેચ કરીને, કોર્પોરેશનના મરણોત્તર દાખલા સાથે સગાઓને બોડી, તેમના ઘરેણાં, કપડાં અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપતા હતા. 

ભાવુક ક્ષણઃ આમ તો રૂટિનમાં પણ અમારી પાસે બળેલી બોડીઝ આવે છે, પરંતુ એકસાથે આટલી બધી લાશો આવવી તે માનસિક રીતે ખૂબ અઘરું હતું. સૌથી વધુ દુઃખદ અને ભાવુક અનુભવ ત્યારે થતો જ્યારે કોઈ એવા નાના બાળકની બોડીનું પોસ્ટમોર્ટમ કરવું પડ્યુ જેણે હજી દુનિયા જોવાની બાકી હતી. એક ના ભૂલી શકાય એવી ક્ષણ એ હતી, જ્યારે બોડી ટેગિંગ વખતે મારી સામે એક પાંચ-છ વર્ષના બાળકની બોડી આવી. તેનો મૃતદેહ બહુ બળ્યો પણ ન હતો. તેની હાલત જોઈને હું અને મારી કલિગ રીતસરના રડી પડ્યા. તેનો ચહેરો હું જિંદગીભર ભૂલી નહીં શકું. માસ ડિઝાસ્ટર જેવી ઘટનાઓ દાયકાઓમાં ક્યારેક જ બને છે, પરંતુ રેસિડેન્ટ સ્ટુડન્ટ લેવલે અમને આ એક્સપિરિયન્સ પરથી શીખવા મળ્યું કે આ સ્થિતિમાં કેવી રીતે લાગણીઓને કાબૂમાં રાખીને, ટીમ વર્કથી કામ કરવું અને સમાજને મદદરૂપ થવું.

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ 2 - image
ડૉ. પ્રેય દેસાઈ, સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશી, રાધિકા ચાવડા (ડાબેથી) અને ડૉ. અમન સોમાણી, ડૉ. ધર્મેશ પટેલ અને માનવી ઘાઈ (પાછળ ઊભેલા ડાબેથી)

બપોરે દોઢ વાગ્યાથી બધા PM રૂમમાં હતા અને બધા ભૂખ્યા હતા: ડૉ. પ્રેય દેસાઈ

બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં સેકન્ડ યર રેસિડન્ટ ડોક્ટર પ્રેય દેસાઈ એ દિવસે લંચ કરવા જ જતા હતા, ત્યાં અચાનક ફોન આવ્યો કે બહાર પ્લેન ક્રેશ થયું છે. આ વિશે વાત કરતા તેઓ કહે છે કે, બહાર જોયું તો કાળા ડિબાંગ ધુમાડા દેખાયા. અમે તરત દોડીને બહાર ગયા અને જોયું તો ધુમાડાનું એક મોટું કાળું વાદળ હતું. અમે સીધા પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચ્યા. ડેડ બોડી આવવા લાગી હતી, જે ટેગ કરીને પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી. અમારી મુખ્ય કામગીરી પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યા પછી DNA મેચ કરવા માટે નમૂના મોકલવાની હતી. 

સૌથી મોટો પડકારઃ અમે દરેક બોડીને આપેલા ટેગ છેલ્લે એકવાર રિવેરિફાય કરતા હતા. દરેકનું પોસ્ટમોર્ટમ થયું છે કે નહીં અને સેમ્પલ પ્રોપર સીલ કરીને મોકલાયા છે કે નહીં વગેરે. આ સિવાય કઈ બોડી ક્યાં છે તેનું લિસ્ટ બનાવીને દરેક બોડીને પીળા રંગની પ્લાસ્ટિક બેગમાં પ્રોપર પેક કરી, બહાર પણ લેબલિંગ કરતા, જેથી ડબલ ક્રોસ ચેક થઈ જાય અને કોઈ બોડી આમતેમ ન થાય. આ આખું કામ જ ખૂબ જ પડકારભર્યું હતું. એ વન્સ ઇન અ લાઈફટાઈમ એક્સપિરિયન્સ હતો, જે બધા જ માટે નવો અને પડકારજનક અનુભવ હતો. 

ભાવુક ક્ષણ: આ ઘટનામાં સૌથી વધુ દુઃખની વાત એ હતી કે, પીડિતોમાં અમારા જ કેમ્પસના રેસિડન્ટ ડોક્ટર્સના સગા-સંબંધી, ઇન્ટર્ન ડોક્ટર્સ, મેસમાં જમતા વિદ્યાર્થીઓ અને મેસમાં કામ કરનારા લોકોના માતા-પિતા કે બાળકો હતા. તેમાંથી કેટલાકને તો અમે રોજ મળતા. બપોરે દોઢ વાગ્યાથી આખું ડિપાર્ટમેન્ટ પીએમ રૂમમાં હાજર હતું, કોઈએ આરામ નહોતો કર્યો અને બધા ભૂખ્યા પણ હતા. છેલ્લે રાત્રે 12.30 વાગ્યે કોલેજ ઓફિસમાં બધાએ સાથે ખીચડી ખાધી હતી, જે મને હંમેશા યાદ રહેશે. આ રેર લર્નિંગ એક્સપિરિયન્સ હતો, પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા માસ ડિઝાસ્ટર ક્યાંય ન થાય.

દીકરીઓના બોડી પાર્ટ્સ લેવા આવેલા માતા-પિતાને જોઈ અમે હેબતાઈ ગયાઃ ડૉ. માનવી ઘાઈ 

ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટ ડોક્ટર માનવી ઘાઈ પણ આખી ટીમ સાથે પોસ્ટમોર્ટમ રૂમમાં હતા. તેઓ કહે છે કે, એ દિવસે મારું મુખ્ય કામ એક પછી એક આવતી ડેડ બોડીઝને ટેગ કરવાનું હતું. માસ ડિઝાસ્ટર પ્રોટોકોલ મુજબ, મેં દરેક ડેડ બોડી કે બોડી પાર્ટને એક આઇડેન્ટિફિકેશન નંબર આપ્યો હતો. તેનાથી અમે બોડી પાર્ટ્સને ઓળખીને જાણી શકતા કે કોઈ બોડી પાર્ટ બે અલગ લોકોના છે કે પછી કોઈ એકના જ છે. ઓળખ પ્રક્રિયા પૂરી થયા પછી અમે પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. દરેક પીએમ રિપોર્ટ તૈયાર કરીને પોલીસને સોંપતા. આ અમે સળંગ બાર કલાક મટકુંય માર્યા વિના કામ કર્યું. DNA મેચ કરવા અમે સરકારી ડેન્ટલ હોસ્પિટલની ટીમ સાથે સેમ્પલિંગ કર્યું હતું, જેમાં અમે મોલર દાંત એટલે કે, દાઢના સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત બોડીના જે પણ ભાગ હતા તે મુજબ સોફ્ટ ટિશ્યુ અને હાડકાં પણ DNA ટેસ્ટ માટે લીધા હતા.

ભાવુક ક્ષણ: આ આખી સ્થિતિમાં સૌથી ભાવુક ક્ષણ એ હતી કે, અમે 3 કે 4 વર્ષના બાળકોના પોસ્ટમોર્ટમ કર્યા. કેટલીક નાની છોકરીઓનું પોસ્ટમોર્ટમ કર્યું, અને તેમના માતા-પિતા વ્હાલસોયી દીકરીના મૃતદેહના બદલે ફક્ત બોડી પાર્ટ્સ લેવા આવ્યા. તેમને જોઈને અમે હેબતાઈ ગયા હતા. મારા કરિયર અને રેસિડેન્સીનો આ સૌથી મોટો લર્નિંગ પોઈન્ટ હતો. આવા માસ ડિઝાસ્ટર ભાગ્યે જ જોવા મળે છે, ઘણું શીખવા મળ્યું, પરંતુ હું ઈચ્છીશ કે ભવિષ્યમાં આવું ક્યારેય ન થાય. 

મોટા ભાગના લોકોના માત્ર અંગ જ મળ્યા, સવાર સુધી લાશો બળતી હતીઃ ડૉ. અમન સોમાણી

બી.જે. મેડિકલ કોલેજના ફોરેન્સિક મેડિસિન વિભાગમાં સેકન્ડ યર રેસિડેન્ટ ડૉક્ટર અમન સોમાની એ દિવસે ઓફિસમાં જ હતા. ત્યારે તેમને એક અવાજ સંભળાયો અને 5 મિનિટમાં જ બધાના ફોન રણકવા લાગ્યા. તેઓ કહે છે કે, બહાર જોયું તો ચારેતરફ ધુમાડો હતો. પોસ્ટમોર્ટમ રૂમમાં 15-20 મિનિટમાં જ મૃતદેહો આવવાનું શરૂ થઈ ગયું. અમે ટેગિંગ અને ઓળખનું કામ શરૂ કર્યું અને આખી રાત વીતી ગઈ. બીજા દિવસે પણ પોસ્ટમોર્ટમ ચાલ્યા. આ કામમાં મારી મુખ્ય ભૂમિકા એ હતી કે આવેલા તમામ મૃતદેહોને યોગ્ય રીતે ગોઠવવા, જેથી કોઈ લાશ મિક્સ ન થઈ જાય. 

સૌથી મોટો પડકાર: આ પ્રક્રિયામાં મારા માટે સૌથી મોટો પડકાર એ હતો કે પરિવારજનોને તેમના જ સ્વજનનો મૃતદેહ મળે. આ માટે અમે બહુ જ કાળજી રાખી. અમે દરેક મૃતદેહ અને તેના અલગ-અલગ અંગોમાંથી DNA સેમ્પલ લેતા અને તેને પરિવારજનોએ આપેલા ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવા માટે મોકલી આપતા. આ કામ સવાર સુધી ચાલ્યું અને ત્યારબાદ અમે ક્રોસ વેરિફિકેશન કર્યું કે બધી બોડીને સાચો ટેગ મળ્યો છે કે નહીં. ત્યારબાદ મૃતદેહોને પીળા રંગના કવરમાં મૂકીને ફરી ચેક કર્યા, તેમને સીલ કરીને કોલ્ડ સ્ટોરેજમાં મૂક્યા, અને છેલ્લે પરિવારજનો અને મૃતકોના આઈડી કાર્ડ તથા તેમના સંબંધોની ક્રોસ-વેરિફિકેશન કર્યા પછી જ અમે તેમને કોફિનમાં બોડી સોંપી. આ ડરામણી સ્થિતિ હતી કારણ કે મૃતદેહ તો બહુ ઓછા હતા, મોટા ભાગના લોકોના માત્ર અંગો જ મળ્યા હતા. વળી, સવાર સુધી લાશો બળવાને લીધે તેમનું તાપમાન પણ ખૂબ ઊંચું હતું. 

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કોલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણચીસો...

ભાવુક ક્ષણ: અમે બાળકોના મૃતદેહ તેમના કલ્પાંત કરતા પરિવારજનોને સોંપતા હતા, તે સૌથી ભાવુક ક્ષણ હતી. આ દુર્ઘટનામાં મેસમાં જમતી વખતે અમારા 18-20 વર્ષના નાના ભાઈ-બહેન જેવા મેડિકલ સ્ટુડન્ટ્સના પણ મૃત્યુ થયા, જેમના ડૉક્ટર બનવાના સપનાં અધૂરા રહી ગયા. એક પ્રોફેશનલ તરીકે અમને અમારા વિષયમાં ભવિષ્યની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઘણું નવું શીખવા મળ્યું છે, પરંતુ સાચા હૃદયથી કહીશ કે, આવી હૃદયદ્રાવક ઘટના ફરી ક્યારેય ના બને.