Get The App

છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા

Updated: Mar 10th, 2026

GS TEAM

Google News
Google News
છોટા ઉદેપુરમાં હડકાયા શ્વાનનો આતંક, ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં 6 લોકોને બચકા ભર્યા 1 - image


Dog Attacks 6 People in Chhota Udepur: છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. તાલુકાના ઇન્દ્રાલ અને સોનગીર ગામમાં એક હડકાયા શ્વાને એકપછી એક એમ કુલ 6 લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તંત્ર પાસે આવી પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય સુવિધા ન હોવાનો આક્ષેપ પણ ગ્રામજનો કરી રહ્યા છે.

ગામમાં નાસભાગ અને ભયનું મોજું

મળતી માહિતી અનુસાર, હડકાયા શ્વાને અચાનક જ રસ્તે ચાલતા લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. કૂતરાએ બચકા ભરતા લોકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. શ્વાનના હુમલામાં ભોગ બનેલા 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકને કારણે વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો પોતાના બાળકોને ઘરની બહાર કાઢતા ડરી રહ્યા છે અને બાળકોને ઘરમાં જ કેદ રહેવાની નોબત આવી છે.

આ પણ વાંચો: ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ! વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસે જુઓ શું કરી રજૂઆત

ગ્રામજનોનો આક્ષેપ છે કે,  હડકાયા શ્વાને પકડવા માટે સ્થાનિક તંત્ર પાસે કોઈ ચોક્કસ સુવિધા કે ટીમ ઉપલબ્ધ નથી. શ્વાન હજુ પણ વિસ્તારમાં રખડી રહ્યો હોવાથી લોકોમાં સતત ડર છે કે તે અન્ય કોઈને પણ નિશાન બનાવી શકે છે. ઇન્દ્રાલ અને સોનગીર ગામના લોકોએ વહીવટી તંત્રને સત્વરે આ હડકાયા શ્વાનને પાંજરે પૂરવા અથવા તેને પકડવા માટે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે.