Budget Session of Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટ નહીં મળ્યાનો મુદ્દો ઉઠ્યો હતો. ખુદ ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમાં વેદના ઠાલવતા કહ્યું હતું કે, 'T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચની ટિકિટ અમને મળી ન હતી. રમતગમત મંત્રી પણ ટિકિટની વ્યવસ્થા કરી શક્યા ન હતા.' આ મુદ્દે જીતુ વાઘાણીએ જવાબ આપતા આગામી ક્રિકેટ મેચ વખતે ટિકિટનું આયોજન કરવાની ખાતરી આપી હતી.
ભાજપના ધારાસભ્યની 'પીડા' અને મંત્રીની લાચારી
બજેટ સત્રના 12મા દિવસે રમતગમત વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે આશ્ચર્યજનક રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, 'ફાઇનલ મેચ જોવા માટે અમને ટિકિટ મળી નહીં. મેં રાજ્ય કક્ષાના રમતગમત મંત્રી જયરામ ગામીત પાસે પણ ટિકિટ માંગી હતી, પરંતુ તેઓ પણ વ્યવસ્થા કરી શક્યા નહીં.'
આ ચર્ચા દરમિયાન પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે, 'આવનાર સમયમાં અહીંયા મેચ હશે તો તમામ સભ્યો મેચ નિહાળે તેવો પ્રયાસ કરીશું.' જો કે, બાદમાં તેમણે મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે આ રજૂઆત માત્ર રમૂજ માટે હતી અને ઓનલાઇન ટિકિટ પ્રથાને કારણે મુશ્કેલી પડી હતી.
દરેક ધારાસભ્યને 2-2 ટિકિટ આપો: કોંગ્રેસની માંગ
કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ આ ચર્ચામાં ઝંપલાવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે, 'સરકાર તરફથી તમામ 182 ધારાસભ્યોને મેચની ટિકિટ આપવી જોઈએ. દરેકને 2-2 ટિકિટ ફાળવવી જોઈએ જેથી તેઓ પણ ખેલાડીઓનું પ્રદર્શન પ્રત્યક્ષ નિહાળી શકે.'
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ આ મુદ્દે સરકારની ટીકા કરતાં ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'વિધાનસભામાં પ્રજાના પ્રશ્નો કરતાં મેચની ટિકિટની વધુ ચર્ચા થઈ રહી છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.' આ ઉપરાંત તેમણે મેચની ટિકિટોના કાળાબજાર અને ડુપ્લિકેટ ટિકિટના કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્ય બહારથી આવેલા પ્રવાસીઓ પણ છેતરાયા હોવાનું જણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છેકે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે વિશ્વ વિજેતા બની ઇતિહાસ રચ્યો, પરંતુ આ વિજયની સાક્ષી ન બની શક્યાનો વસવસો ધારાસભ્યોમાં બજેટ સત્ર દરમિયાન સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.


