Get The App

હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા

Updated: Oct 28th, 2025

GS TEAM

Google News
Google News
હવે ગૂગલ પે, ફોન પે સહિતની એપ્સથી ચૂકવી શકાશે ઈ-ચલણના દંડની રકમ; ગુજરાતના વાહનચાલકો માટે સુવિધા 1 - image

E-Challan: રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના કિસ્સાઓમાં વાહનચાલકોને ઇસ્યુ થયેલા ઇ-ચલણ પેટે દંડની રકમની ભરપાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત પોલીસના સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા ભારતીય સ્ટેટ બૅન્ક(SBI) સાથે કરાયેલા MoU અંતર્ગત Bharat Bill Payment System (BBPS) મારફતે વિવિધ ઓનલાઇન માધ્યમો દ્વારા દંડની રકમ ચૂકવવાની સુવિધા શરુ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 'મેડિકલ મિરેકલ': દર્દીનું બંધ પડેલું હૃદય 15 મિનિટ બાદ ફરી ધબકવા લાગ્યું, ડૉક્ટર્સ પણ રહી ગયા દંગ

“One Nation One Challan”ની સુવિધા

રાજ્યમાં વર્ષ 2023થી “One Nation One Challan” ઍપ્લિકેશનના માધ્યમથી વાહનચાલકોને દંડની રકમ ઓનલાઇન ચૂકવવાની સુવિધા ઉપલબ્ધ હતી, જેમાં વાહન ચાલકો દંડની રકમ નેટ બૅન્કિંગ, ડેબિટ/ક્રેડિટ કાર્ડ, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) એમ-પરિવહનની સાઇડ ઉપરથી તથા PoS મારફતે ભરી શકતા હતા.

UPI દ્વારા ભરી શકાશે ચલણ

હવે આ સુવિધામાં વધારો કરીને BBPS પ્લેટફોર્મ એટલે કે, ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે અને યોનો ઍપ્લિકેશન મારફત વાહનચાલકો સીધે-સીધી દંડની રકમ ભરી શકશે. તેના માટે ઍપ્લિકેશન પર જઈને સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત ઓપ્શન પસંદ કરીને પેમેન્ટ કરવાનું રહેશે. BBPS જેવી સુવિધાઓનો સમાવેશ કરવાથી વાહનચાલકોને ઓનલાઇન પેમેન્ટના વધુ વિકલ્પો પ્રાપ્ત થશે અને દંડની રકમ ભરપાઈની પ્રક્રિયા વધુ સુવિધાજનક બનશે.

આ પણ વાંચોઃ અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્વ

આ સુવિધા હેઠળ એકત્રિત થનાર નાણાં ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) દ્વારા ઓનલાઇન ચુકવણી માટે સમયાંતરે જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર દંડની રકમની ખરાઈ કર્યા બાદ સમાધાન રૂપે ટ્રાન્સફર કરવામાં આવશે. આથી રાજ્યમાં દંડની વસૂલી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા બંને વધશે. આ પહેલથી રાજ્યમાં ટ્રાફિક નિયમોના અમલને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં તેમજ વાહનચાલકોને સહેલાઈથી દંડની રકમ ભરવાની સુવિધા ઉપલબ્ધ થશે.