અઠવાડિયા બાદ શરૂ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો યાત્રાનો સંપૂર્ણ રૂટ અને ધાર્મિક-આદ્યાત્મિક મહત્ત્વ

Image: Gujarat Tourism |
Girnar Parikrama 2025: ધાર્મિક અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનું આયોજન આ વર્ષે પણ ભક્તિભાવપૂર્વક થવાનું છે. હિન્દુ કેલેન્ડર મુજબ કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી)થી શરૂ થનારી આ પાંચ દિવસીય યાત્રા માટે તારીખો જાહેર થઈ ગઈ છે. આ વર્ષે ગિરનાર પરિક્રમા 1 નવેમ્બર, 2025 (કાર્તિક શુક્લ એકાદશી)ના રોજ શરૂ થશે અને 5 નવેમ્બર, 2025 (કાર્તિક પૂર્ણિમા/દેવ દિવાળી)ના દિવસે પૂર્ણ થશે. આ ગીર જંગલ વિસ્તારનો માર્ગ માત્ર 5 થી 10 દિવસ માટે જ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે.
36 કિમીનો કઠિન માર્ગ: મુખ્ય પડાવો અને પડકારો
ભવનાથ તળેટી સ્થિત દુધેશ્વર મંદિરથી શરૂ થતી આ 36 કિલોમીટરની યાત્રા શારીરિક રીતે કઠિન માનવામાં આવે છે, જેમાં શ્રદ્ધાળુઓ કઠોર ઠંડીની પરવા કર્યા વિના ચાલે છે.
- ગિરનારની લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો કઠિન માર્ગ ભવનાથ તળેટી સ્થિત દુધેશ્વર મંદિરથી શરૂ થાય છે. યાત્રાનો પ્રથમ તબક્કો ભવનાથથી ઝીણા બાવાની મઢી સુધીનો છે, જે આશરે 12 કિલોમીટરનો છે. આ માર્ગ ગાઢ જંગલમાંથી પસાર થાય છે અને તેમાં પર્વતોમાં એક ચઢાવ-ઉતારવાળો ઘાટ, ઈટવા ઘોડી, પસાર કરવો પડે છે, જે એક મોટો પડકાર છે.
- બીજો તબક્કો ઝીણા બાવાની મઢીથી માળવેલા સુધીનો છે, જે લગભગ 8 કિલોમીટર લાંબો છે. ઝીણા બાવાની મઢી યાત્રાળુઓ માટે રાત્રિ રોકાણનું મુખ્ય સ્થળ છે, જ્યાં નજીકમાં ચંદ્રમૌલેશ્વરનું સુંદર મંદિર આવેલું છે. આ જંગલ વિસ્તારમાં સિંહ દેખાવાની શક્યતા રહે છે.
- ત્રીજો અને સૌથી મુશ્કેલ તબક્કો માળવેલાથી બોરદેવી સુધીનો છે, જે પણ 8 કિલોમીટરનો છે. આ તબક્કામાં યાત્રાળુઓએ અત્યંત ઢાળવાળી માળવેલાની ઘોડી પાર કરવી પડે છે, જે વૃદ્ધો માટે મુશ્કેલ અને અકસ્માતની સંભાવનાવાળી હોવાથી સૌથી મોટો પડકાર ગણાય છે.
- અંતિમ તબક્કો બોરદેવીથી ભવનાથ તરફ પાછા ફરવાનો છે, જે 8 કિલોમીટરનો છે. બોરદેવી પાસે કાલા-ઘુનો અને તાતણીયો ઘુનો જેવા જળ સ્ત્રોતો આવેલા છે, જ્યાં મગરોનું આશ્રયસ્થાન છે. અહીંથી યાત્રા પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી પહોંચે છે.
આધ્યાત્મિક અને કુદરતી મહત્ત્વ
ગિરનાર ટેકરીને 33 કરોડ દેવી-દેવતાઓ, 64 જોગણીઓ અને 52 વીરોનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આ સ્થળ હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર કેન્દ્ર છે. યાત્રા દરમિયાન જંગલમાં સિંહની ગર્જના અને હરણના દર્શન સામાન્ય છે, જે આ યાત્રાના સાહસમાં વધારો કરે છે. ઝીણા બાવાની મઢી પાસે હસનાપુર ડેમ આવેલો છે.
આ પણ વાંચોઃ રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ, જાણો ક્યાં કેવા હાલ
યાત્રીઓ માટે સુવિધાઓ અને સાવચેતી
પીવાના પાણીની વ્યવસ્થા મુખ્ય સ્થળોએ ઉપલબ્ધ છે. રહેવા અને જમવા માટે ભવનાથ તળેટીની આસપાસ ધર્મશાળાઓ ઓછા બજેટમાં સુવિધાઓ પૂરી પાડે છે.
જરૂરી તૈયારીઓ:
- આરામદાયક પગરખાં, ગરમ કપડાં (જેકેટ/કોટ).
- પૂરતું પાણી, ખોરાક અને જરૂરી દવાઓ.
સાવચેતી: જંગલી પ્રાણીઓથી રક્ષણ, ભૂલા પડવાનું ટાળવું અને સ્થાનિક પર્યાવરણનો આદર કરવો અનિવાર્ય છે.
ગિરનાર-જૂનાગઢ કેવી રીતે પહોંચશો?
ગિરનાર જૂનાગઢ શહેરથી માત્ર 7 કિલોમીટર દૂર છે.
- રોડ માર્ગ: ગુજરાતના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે.
- રેલ માર્ગ: સૌથી નજીકનું સ્ટેશન જૂનાગઢ રેલ્વે સ્ટેશન છે.
- હવાઈ માર્ગ: નજીકનું એરપોર્ટ પોરબંદર (86 કિ.મી) ખાતે છે.

