Jamnagar News: જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની દ્વારા ચલાવવામાં આવી રહેલા 'નો ડ્રગ્સ ઇન જામનગર' અભિયાન હેઠળ પોલીસને મોટી સફળતા મળી છે. જામનગરની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાએ મોટી ખાવડી વિસ્તારમાં ચાલતા નશીલા પદાર્થોના મોટા નેટવર્કને તોડી પાડી, પંજાબથી હેરોઈનનો જથ્થો સપ્લાય કરવા આવેલા ચાર શખસોની ધરપકડ કરી છે.
SOGના હોટલમાં દરોડા
એસ.ઓ.જી.ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામે આવેલી હોટલ 666માં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હોટલમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સો પાસેથી નશાકારક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઝડપાયેલ મુદ્દામાલ 418 ગ્રામ હેરોઈન, જેની બજાર કિંમત આશરે 83,60,000 રૂપિયા છે.
પોલીસે વિશાલસિંગ, હરપ્રીતસિંગ, બિક્રમજીતસિંગ અને જગદિપસિંગની ધરપકડ છે. આ ઉપરાંત મેઘપર (પડાણા) પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: બગદાણા કેસમાં જયરાજ આહીર સહિત 6 લોકોના જામીન મંજૂર, મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી શક્યતા
તપાસનો દોર પંજાબ સુધી લંબાવાયો
આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હેરોઈનનો જથ્થો અમૃતસરના રહેવાસી ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખસે સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું છે. પોલીસ દ્વારા ફિલિપ્સ ઉર્ફે ફૌજીને ફરાર જાહેર કરી, પંજાબના મુખ્ય સપ્લાયર સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.


