ગૉલમાં ભારત સામે કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટનનું દર્દ છલકાયું: જણાવ્યું ક્યાં પલટાઈ ગઈ મેચ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SL 1st Test: શ્રીલંકાને ગૉલમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા સામે મળેલી કારમી હાર બાદ શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ હારનું કારણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે, અમારી ટીમે મેચમાં સારી ફાઈટ આપી, પરંતુ ચોથી ઈનિંગ્સમાં બેટિંગ કરવી સરળ નથી હોતી.
ગૉલની પીચ પરથી બીજા દિવસથી જ સ્પિનરોને મદદ મળવા લાગી હતી, જેના કારણે બેટ્સમેનો માટે મુશ્કેલી ઊભી થઈ રહી હતી. બીજી ઈનિંગ્સમાં ટીમ ઇન્ડિયા પણ 193 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, કારણ કે પીચ પરથી સ્પિનરો માટે સારી એવી મદદ ઉપલબ્ધ હતી. મેચમાં પરાજય બાદ ડી સિલ્વાએ હારના કારણો ગણાવ્યા. તેમનું કહેવું છે કે, ટીમે ઝડપથી વિકેટો ગુમાવી દીધી, જેના કારણે હારનો સામનો કરવો પડ્યો.
શ્રીલંકન કેપ્ટને હારના કારણો જણાવ્યા
પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં વાત કરતાં ડી સિલ્વાએ કહ્યું કે, 'મને લાગે છે કે બીજા દિવસથી જ અમે મેચમાં ટકી રહ્યા હતા. ચોથી ઈનિંગ્સમાં પણ અમારા ખેલાડીઓએ સખત ટક્કર આપી. મને લાગે છે કે આ એક સરસ મેચ હતી. અહીં પ્રથમ ત્રણ દિવસ બેટિંગ કરવી સરળ હતી. સ્પષ્ટ વાત છે કે, ગાલેમાં ચોથી ઈનિંગ્સ સરળ નથી હોતી, આ વાત તો સૌ જાણે છે. મને લાગે છે કે કેએલ રાહુલ અને દેવદત્ત પડિક્કલે જે સારી શરૂઆત અપાવી, ત્યાંથી જ અમારા પર દબાણ બની ગયું હતું. ટોસની પણ અસર પડી કારણ કે તેમણે ટોસ જીતીને પહેલા રન બનાવ્યા. અમે જ્યારે બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે ઝડપથી વિકેટો ગુમાવી દીધી અને ત્યાંથી જ અમે દબાણમાં આવી ગયા.'
શ્રીલંકાની ફ્લોપ બેટિંગ
શ્રીલંકન ટીમની ભારત સામે બેટિંગ ફ્લોપ રહી હતી. શ્રીલંકા તરફથી પ્રથમ ઈનિંગ્સમાં સોનલ દિનુશાએ સદી અને નિરોશન ડિકવેલાએ અડધી સદી ફટકારી હતી. જોકે, આ બંને સિવાય અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર નોંધાવી શક્યો ન હતો, જેના કારણે તેમની પ્રથમ ઈનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગ્સમાં પણ આવું જ થયું, જ્યાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને દિનુશાએ અડધી સદી ફટકારી પરંતુ તેમના સિવાય તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ટીમ ઇન્ડિયાએ આ મેચ 165 રને પોતાના નામે કરી લીધી હતી.









