Jamnagar Crime Case: જામનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં લગ્નની તૈયારીઓ વચ્ચે એક સગીરાએ બાળકને જન્મ આપતા પરિવારજનો દંગ રહી ગયા છે. સગીરાના જ મંગેતરે તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવતા પોલીસે નરાધમ મંગેતરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
સગાઈ બાદ ઘરે એકલી જોઈ સગીરા પર દુષ્કર્મ આચર્યું
મળતી માહિતી અનુસાર, જામનગરના રાજકોટ રોડ વિસ્તારમાં રહેતી એક સગીરાની સગાઈ નજીકના વિસ્તારમાં રહેતા એક શ્રમિક યુવક સાથે નક્કી કરવામાં આવી હતી. પરિવારના સભ્યો કામ અર્થે બહાર ગયા હોય ત્યારે સગીરા ઘરે એકલી રહેતી હતી. આ તકનો લાભ ઉઠાવી મંગેતર અવારનવાર ઘરે આવી તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. આ સતત થતા દુષ્કર્મના પરિણામે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાંડો ફૂટ્યો
લગ્નને આડે જ્યારે માત્ર 20 દિવસ બાકી હતા, ત્યારે સગીરાને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું અને તેને પ્રસૂતિની પીડા ઉપડી હોવાનું બહાર આવતા પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રસૂતિ દરમિયાન સગીરાએ એક પુત્રને જન્મ આપ્યો હતો.
પોલીસે આરોપી મંગેતરની ધરપકડ કરી
ઘટનાની ગંભીરતાને જોતા સગીરાની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. માતાની ફરિયાદના આધારે જામનગર પોલીસે આરોપી મંગેતર વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. હાલમાં સગીરા અને નવજાત શિશુ બંને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.


