Get The App

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો 1 - image


Food Poisoning Suspected After Dosa Meal In Ahmedabad: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાવાથી બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં આજે (સાતમી એપ્રિલ) એક મોટો વળાંક આવ્યો છે, જ્યારે એફએસએલ ટીમની હાજરીમાં અઢી મહિનાની બાળકીના દફનાવી દીધેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ફરીથી બહાર કાઢવામાં આવ્યો હતો. મોતનું સાચું કારણ જાણવા માટે પોલીસ હવે વૈજ્ઞાનિક તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત છઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ સમગ્ર પરિવારની તબિયત લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના આક્ષેપ વચ્ચે ચાર વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. બાળકીઓના પિતા વિમલભાઈ અને માતા ભાવનાબેન હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અમદાવાદ: ઢોંસાના ખીરુંના કારણે બે બાળકીના કથિત મોતનો કેસ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ બહાર કઢાયો 2 - image

આ પણ વાંચો: અમદાવાદ: તૈયાર ખીરુંના ઢોંસા ખાધા બાદ બે બાળકીઓના મોત થયાનો દાવો, માતા-પિતાની હાલત ગંભીર

પેનલ પોસ્ટમોર્ટમ અને સાયન્ટિફિક તપાસ

ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, 'આજે અઢી મહિનાની બાળકીનો મૃતદેહ બહાર કાઢવામાં આવી છે અને તેનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અમારી તપાસ હવે મુખ્યત્વે એફએસએલ રિપોર્ટ, બ્લડ સેમ્પલ અને સીડીઆર (CDR) જેવા ટેકનિકલ પુરાવાઓ પર આધારિત છે. મોટી બાળકીનો પીએમ રિપોર્ટ પણ એફએસએલના અભિપ્રાય પછી જ ફાઈનલ થશે, કારણ કે ઝેરની હાજરી સીધી રીતે પ્રસ્થાપિત થઈ શકતી નથી.'

પોલીસની વિવિધ દિશાઓમાં તપાસ

પોલીસ હાલમાં આ ઘટનાને સામૂહિક આપઘાત અથવા અકસ્માતે મોત એમ બંને પાસાઓથી તપાસી રહી છે. જોકે, કોઈ પણ ચોક્કસ તારણ પર આવતા પહેલા લેબોરેટરી રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે. ડેરીમાંથી ખીરાના સેમ્પલ લઈને તેને પણ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પરિવારના સભ્યોની પ્રાથમિક પૂછપરછમાં ઢોસા ખાધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે, પરંતુ વૈજ્ઞાનિક પુરાવા જ સત્ય બહાર લાવશે.