અમદાવાદના કૃષ્ણનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવાર-દંડાવાળી, અસામાજિક તત્ત્વોએ ભયનો માહોલ સર્જ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Crime News: અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે, જેની વધુ એક ઘટના કૃષ્ણનગર વિસ્તારની પ્રેમનગર સોસાયટીમાંથી સામે આવી છે. અહીં સોસાયટીમાં ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે મામલો એટલો બિચક્યો કે કેટલાક તત્ત્વો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ના પાડનાર યુવક પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. મહત્ત્વનું છે કે, આ સમગ્ર ઘટના સોસાયટીના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.
જાણો શું છે મામલો
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈના જણાવ્યાનુસાર,, આ ઘટના ગઈકાલે (ચોથી ડિસેમ્બર) રાત્રે બની હતી. પ્રેમનગર સોસાયટીના ગેટ પાસે રાજા કેવલાણી નામનો અસામાજિક તત્ત્વ ગાળો બોલતો હતો. સોસાયટીના રહેવાસી બંટી અને બંસીભાઈએ તેને ગાળો બોલવાની ના પાડતાં, રાજા કેવલાણી ઉશ્કેરાઈ ગયો હતો. તેણે તાત્કાલિક પોતાના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા, જેના પગલે ચારથી પાંચ જેટલા લોકો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આ ટોળકીએ મારામારી કરીને આતંક મચાવ્યો હતો, જેમાં ફરિયાદીને ઈજા થઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ અસામાજિક તત્ત્વો તલવાર અને દંડા જેવા હથિયારો સાથે સોસાયટીમાં આવી રહ્યા છે. હાલમાં, પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે અને હુમલો કરનારા તમામ શખ્સોની ધરપકડ કરવા માટે સઘન શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.








