અમદાવાદના પોશ વિસ્તારમાં ગુંડાગીરી: સિંધુભવન રોડ પર સામાન્ય ટક્કરમાં યુવકને તલવારના ઘા ઝીંક્યા

| AI IMAGE |
Ahmedabad Crime News: અમદાવાદના પ્રતિષ્ઠિત બોડકદેવ વિસ્તારમાં સિંધુભવન રોડ પર આવેલ શિલ્પ 3 કોમ્પ્લેક્ષ ખાતે એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં બજરંગ સુપર માર્કેટની બહાર ગુરૂવારે રાત્રે મોટરસાયકલની સામાન્ય ટક્કર બાદ શરૂ થયેલા ઝઘડાએ જીવલેણ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 26 વર્ષીય કર્મચારી વચનારામ રબારીને માથાના ભાગે તલવારનો ઘા મારવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેણે ચાર આરોપીઓ વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઇરાદા સાથે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરૂવારે રાત્રે આશરે પોણા અગિયાર વાગ્યે બની હતી. બજરંગ સુપર માર્કેટમાં નોકરી કરતા ફરિયાદી વચનારામ રબારી તેમના સહકર્મી પ્રવીણ હિરાગર સાથે બહાર ઊભા હતા, ત્યારે એક મોટરસાયકલે પ્રવીણ હિરાગરને ટક્કર મારતાં ચાલક અને પાછળ બેઠેલો શખ્સ નીચે પટકાયા હતા.
મોટરસાયકલ પરથી નીચે પડ્યા બાદ, ચાલક અને તેના સાથીએ તરત જ ઊભા થઈને પ્રવીણ હિરાગરને ઢીક મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું. ફરિયાદી વચનારામ રબારી અને સહકર્મી જગદીશ ભાઈએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે મોટરસાયકલ ચાલક કમલેશ પરમારે તેના સાથીદાર 'વાસુ'ને ધમકી આપતાં કહ્યું કે 'આજ તો આ લોકોને જાનથી મારી નાખવાના છે,' અને હિમ્મત તથા ચેતન નામના અન્ય માણસોને હથિયાર લઈને બોલાવી લાવવા જણાવ્યું હતું, જેથી વાસુ ત્યાંથી નીકળી ગયો હતો.
વાસુ માણસોને બોલાવી લાવતા જ, કમલેશ પરમાર અને વાસુ સાથે ત્રણ અજાણ્યા ઈસમો બૂમો પાડતા સ્થળ પર ધસી આવ્યા હતા. આ શખ્સો પૈકી એકના હાથમાં તલવાર હતી, જે કાળા શર્ટ પહેરેલા અન્ય એક ઈસમે લઈને ફરિયાદી વચનારામ રબારીના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઇરાદે ઘા ઝીંક્યો હતો. આ જીવલેણ હુમલો કર્યા બાદ ચારેય આરોપીઓએ ગાળો આપી ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ થયેલા વચનારામ રબારીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલુ છે, જ્યારે પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

