Get The App

VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO| ધોળકામાં માટી માફિયાઓ બેફામ: ખેડૂતની જાણ બહાર 8 વીઘા જમીન ખોદી 50,000 ઘનમીટર માટીની ચોરી 1 - image


Illegal Soil Mining In Dholka: અમદાવાદ ગ્રામ્યના ધોળકા તાલુકામાંથી માટી માફિયાઓની ગુંડાગર્દી અને બેખોફ અંદાજનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ધોળકાના ભુંભલી ગામમાં એક ખેડૂતની કિંમતી જમીનમાંથી તેમની જાણ બહાર અધધ 50,000 ઘનમીટર માટીની ચોરી થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માફિયાઓએ માત્ર 15 જ દિવસમાં ખેડૂતની આખી જમીન ખોદી નાખી હોવાનું સામે આવ્યું છે.

માત્ર 15 દિવસમાં 8 ફૂટ ઊંડા ખાડા પાડી દીધા

મળતી માહિતી મુજબ, સરખેજ વિસ્તારના રહેવાસી ભુપતભાઈ પ્રજાપતિએ ભુંભલી ગામની સીમમાં 12 વીઘા જમીન ખરીદી હતી. આ જમીન પર સ્થાનિક માટી માફિયાઓએ તરાપ મારી હતી. ખેડૂતની ગેરહાજરીનો લાભ ઉઠાવીને માફિયાઓએ માત્ર 15 જ દિવસમાં 8 વીઘા જમીનમાં 8 ફૂટ જેટલા ઊંડા ખાડા પાડી દીધા હતા અને આખી જમીન ખોદીને તેમાંથી માટી ગાયબ કરી દીધી હતી.

હાઇવે પર હોટલ નજીક માટીનું પુરાણ કર્યું

આ સમગ્ર કૌભાંડમાં વિપુલભાઈ મારૂ નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપીએ ડમ્પરો અને ભારે મશીનરી (જેસીબી વગેરે) વડે રાત-દિવસ એક કરીને ગેરકાયદેસર રીતે માટીની ચોરી કરી હતી. આ ચોરી કરેલી માટી વટામણ-બગોદરા હાઇવે પર આવેલી એક હોટલ નજીક કથિત રીતે પુરાણ કરવા માટે વાપરી નાખવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

પોલીસ અને ખાણ ખનીજ વિભાગ એક્શનમાં

પોતાની કિંમતી જમીનની આવી દુર્દશા જોઈને ભોગ બનનાર ખેડૂતે આખરે પોલીસનો આશરો લીધો હતો. ખેડૂતની સત્તાવાર ફરિયાદના આધારે કોઠ પોલીસે આરોપી વિપુલ મારૂ સામે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની વિવિધ કલમો તેમજ ગુજરાત ખનીજ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB ફરી વળ્યા

હાલ કોઠ પોલીસ આ મામલે સઘન તપાસ ચલાવી રહી છે. બીજી તરફ, ખાણ ખનીજ વિભાગ પણ આ ઘટનામાં સામેલ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાણ ખનીજ વિભાગના સત્તાવાર સર્વે અને રિપોર્ટ બાદ આ કરોડો રૂપિયાની માટી ચોરીનો આંકડો વધુ મોટો થઈ શકે છે અને અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે છે.