Get The App

અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB ફરી વળ્યા

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના ઇસનપુરમાં આંબા તળાવની 26 હજાર ચો.મી. જગ્યા ખાલી કરાવાઈ, 160થી વધુ ગેરકાયદે બાંધકામો પર JCB ફરી વળ્યા 1 - image



Ahmedabad Isanpur Demolition : રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તળાવોને દબાણમુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં આવેલા ઇસનપુર વિસ્તારની મોની હોટેલ વાળી ગલીમાં, શાક માર્કેટ પાસે સ્થિત આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું. વર્ષોથી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા આશરે 160થી વધુ કાચા-પાકા બાંધકામોને તોડી પાડ્યા છે.  કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટનાસ્થળે તહેનાત રાખવામાં આવી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ જળાશયોને પુનઃજીવિત કરવા અને તેને ઊંડા કરવા માટે આ ઝુંબેશ હાથ ધરાઈ છે. આંબા તળાવની કિંમતી જમીન પર લાંબા સમયથી લોકો રહેણાંક બનાવીને વસવાટ કરી રહ્યા હતા, જેમને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને જગ્યા ખાલી કરવા કડક સૂચના અપાઈ હતી. આજે સવારથી જ ૫થી વધુ જેસીબી અને હિટાચી મશીનોની મદદથી એસ્ટેટ વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 147 જેટલા કાચા-પાકા મકાનો અને ૧૪ કોમર્શિયલ બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા હતા. આ સફળ કામગીરીના અંતે કોર્પોરેશને આશરે 26,000 ચોરસ મીટર જેટલો વિશાળ પ્લોટ સંપૂર્ણપણે દબાણમુક્ત કરાવી તેનો કબજો મેળવ્યો છે.

લાંબા સમયથી વસવાટ કરતા પરિવારો બેઘર ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માનવતાવાદી અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે. ડિમોલિશનને કારણે અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે તાત્કાલિક ધોરણે નજીકના રેન બસેરામાં રહેવા-જમવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, જે નાગરિકો પાસે ત્યાં વર્ષોથી વસવાટ કરતા હોવાના જરૂરી સરકારી પુરાવા અને દસ્તાવેજો ઉપલબ્ધ હશે, તેમની પાસેથી કોર્પોરેશન દ્વારા નિયત ફોર્મ ભરાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ લાયક પરિવારોને સરકારી યોજના હેઠળ વૈકલ્પિક મકાનોની ફાળવણી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.