Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સ્માર્ટ સિટીમાં ગેરકાયદે બાંધકામ કરનારાઓ કાયદાની સાથે સાથે સરકારી સંપત્તિને પણ કેવી રીતે ખિસ્સામાં મૂકી રહ્યા છે, તેનો એક જીવતોજાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરદારનગર વિસ્તારમાં એક મકાન માલિકે ગેરકાયદે બાંધકામની તમામ હદો પાર કરીને કોર્પોરેશનના આખેઆખા સ્ટ્રીટ લાઈટના થાંભલાની (પોલ) ફરતે જ આરસીસીનુ બાંધકામ કરીને તેને મકાનની અંદર લઈ લીધો છે.
કોર્પોરેટરની ઓફિસ સામે જ સરકારી થાંભલા પર કબજો!
સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગેરકાયદે બાંધકામ જે જગ્યાએ થયું છે, તેની બિલકુલ સામે જ સ્થાનિક ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચન્દાનીનું કાર્યાલય આવેલું છે. કોર્પોરેટરની ઓફિસની સામે જ જાહેરમાં સરકારી સંપત્તિ પર કબજો થઈ ગયો, છતાં તેઓ કે તંત્ર આ બાંધકામ અટકાવી શક્યા ન હતા. ગરીબોના લારી-ગલ્લા કે સામાન્ય દબાણો પર તાત્કાલિક બુલડોઝર ફેરવી દેતું એસ્ટેટ વિભાગ આટલું મોટું આરસીસી બાંધકામ થઈ ગયું ત્યાં સુધી ઘોર નિદ્રામાં રહ્યું અને પોતાના જ લાઇટના થાંભલાને બચાવી શક્યું નહીં. આ મામલો સામે આવ્યા બાદ મકાન માલિકે આ બાંધકામ માટે કોઈ મંજૂરી લીધી હતી કે કેમ તે એક મોટો સવાલ છે.

ભાંડો ફૂટતા મકાન માલિકનો લૂલો બચાવ
આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા વહેતો થતાં જ મકાન માલિક લાલુમલનો ભાંડો ફૂટી ગયો હતો. મકાન માલિકે પોતાનો લૂલો બચાવ કરતા અજીબોગરીબ બહાનું કાઢ્યું હતું. તેણે જણાવ્યું કે, 'જ્યારે મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે હું બહારગામ હતો અને મારી ગેરહાજરીમાં મજૂરોએ ભૂલથી થાંભલાની ફરતે આ ચણતર કામ કરી દીધું છે.' જોકે, મામલો બિચકતાં જ હવે તેણે આ ગેરકાયદે બાંધકામ જાતે જ તોડી પાડવાની ખાતરી આપી છે. આ ગેરકાયદે બાંધકામના કારણે સરકારી લાઈટનો થાંભલો ધાબાની અંદર આશરે 1.5 થી 2 ફૂટ જેટલો ફસાઈ ગયો છે.
શું માત્ર બહાનાથી સંતોષ મનાશે કે કડક પગલાં લેવાશે?
સરદારનગર જી વોર્ડમાં બનેલી આ ઘટના બાદ સ્થાનિક રહીશોમાં કોર્પોરેશનની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને તેના પર ખુલ્લેઆમ ગેરકાયદે બાંધકામ કરવા બદલ આ મકાન માલિક સામે એએમસી દ્વારા કાયદેસરની પોલીસ ફરિયાદ કરવામાં આવશે કે કેમ? અને માત્ર મકાન માલિકના બહાનાથી સંતોષ માનીને મામલો થાળે પાડી દેવાશે કે પછી તંત્ર કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડશે, તે જોવું રહ્યું.


