Pavijetpur Sihod Diversion Damage Rain: છોટા ઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પંથકમાં ગત મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. સિહોદ પાસે બનાવવામાં આવેલું ડાયવર્ઝન આજુબાજુથી ધોવાઈ જવાના કારણે તેમજ કેટલીક જગ્યાએ બેસી જવાને લીધે મોટા વાહનોની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે.
ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું સમારકામ
ઘટનાની જાણ થતાં જ તાકીદે JCB મશીન લગાવીને ધોવાઈ ગયેલા ડાયવર્ઝનનું સમારકામ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કાર જેવા હળવા વાહનો માટે રસ્તો પુનઃ શરૂ કરાયો છે. જો કે, સ્થાનિક નિષ્ણાતોના મતે જો હવે પછી ફરીથી ભારે વરસાદ પડશે, તો આ ડાયવર્ઝન સંપૂર્ણપણે ધોવાઈ જવાની ભીતિ છે.
વધારે વરસાદ થશે તો ફરી ધોવાઈ જવાની ભીતિ
જો આગામી દિવસોમાં આ ડાયવર્ઝન ફરી તૂટશે, તો છોટાઉદેપુર જિલ્લા સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વાહનચાલકોએ વનકુટીર, રંગલી ચોકડી અને મોડાસર થઈને બોડેલી તરફ જવું પડશે, જેના કારણે અંતરમાં મોટો વધારો થઈ જશે. ચિંતાની વાત એ છે કે આ વૈકલ્પિક રસ્તો પણ યોગ્ય સ્થિતિમાં નથી.
જો ડાયવર્ઝન બંધ થતાં મોટા વાહનો આ બિસ્માર રસ્તા પરથી પસાર થશે, તો ત્યાં પણ ભારે ટ્રાફિક જામ અને અકસ્માતનો ભય રહેશે. આ સ્થિતિમાં લોકોને નાછૂટકે ડુંગરવાટ-સિહોદ થઈને આશરે 30 થી 35 કિલોમીટર જેટલો લાંબો ફેરો કરવો પડી શકે છે, જેના કારણે જનતાનો સમય અને ઇંધણ બંને વેડફાશે. હાલ સ્થાનિકો દ્વારા આ ડાયવર્ઝનનું મજબૂત અને કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.


