Gujarat

ગુજરાતના 8 જિલ્લામાં માવઠાની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

By GS TEAM
2 Feb 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે સોમવારે (2 ફેબ્રુઆરી, 2026) ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 8 જિલ્લામાં માવઠાની આગાહી, પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

Gujarat Weather Update: ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટતું હોય તેવું લાગી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે આજે સોમવારે (2 ફેબ્રુઆરી, 2026) ઉત્તર અને મધ્ય ગુજરાતના 8 જિલ્લા ગાજવીજ સાથે હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. 

8 જિલ્લામાં માવઠાની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સોમવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ, વડોદરા, આણંદ, ભરુચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી છે. 


પંચમહાલ-મહીસાગરમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા માવઠું થયું હોવાના દૃશ્યો સામે આવ્યા છે. જેમાં પંચમહાલના શહેરા તાલુકામાં મોરવા રેણા પંથકમાં અને મહીસાગર જિલ્લાના સંતરામપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા વધી છે.

ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં

ગીર સોમનાથમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. કોડીનારના અરણેજ, આનંદપુર સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેના કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને નુકસાન જવાની ભીતિ છે.

માવઠાની આગાહીને પગલે અગમચેતીના પગલાં લેવા ખેડૂતોને અપીલ

કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીને લઈને ખેતીવાડી અધિકારીની કચેરી દ્વારા ખેડૂતોને પાક સંરક્ષણ માટે અગમચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાન થવાની ભીતિ રહેલી છે, ત્યારે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ખૂલ્લો પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.

આ પણ વાંચો: અમદાવાદ: વૈષ્ણોદેવી સર્કલ પાસે કાળમુખા મિક્સર ટ્રકે યુવકને કચડ્યો, અકસ્માતના કમકમાટીભર્યા દ્રશ્યો

ખેતીની પેદાશો ઉપરાંત, ખેડૂતોએ વાવેતર માટે રાખેલા બિયારણ અને ખાતરનો જથ્થો પણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા સૂચના આપવામાં આવી છે. એ.પી.એમ.સી. ખાતે માલ લઈને આવતા ખેડૂતો અને વેપારીઓને પણ આગોતરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. જેમાં ખેતપેદાશોને બજાર સમિતિના શેડ નીચે રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત કરવી. વધુ વિગતવાર માહિતી કે માર્ગદર્શન માટે કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800-180-1551 પર પણ સંપર્ક કરી શકાશે.