Get The App

અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે સરકાર, જાણો શું-શું ફેરફાર થશે?

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે સરકાર, જાણો શું-શું ફેરફાર થશે? 1 - image


Gujarat Disturbed Areas Act: રાજ્યમાં કોમી સૌહાર્દ જાળવી રાખવા અને નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર 1991ના 'અશાંત વિસ્તાર મિલકત તબદીલી પ્રતિબંધ કાયદા'માં મહત્ત્વના સુધારા કરવા જઈ રહી છે. આ અંગેનું સુધારા વિધેયક ટૂંક સમયમાં વિધાનસભામાં રજૂ કરવામાં આવશે, જેનો સત્તાવાર ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કાયદામાં સુધારાની જરૂરિયાત કેમ?

વર્તમાન કાયદો અમલમાં હોવા છતાં, એવી ફરિયાદો ઉઠી રહી હતી કે અશાંત વિસ્તારોમાં કેટલીક મિલકતો ગેરકાયદે રીતે કબજે કરવામાં આવી રહી છે અથવા દબાણ હેઠળ વેચવામાં આવી રહી છે. આ છટકબારીઓ પૂરી કરવા અને કાયદાને વધુ કડક બનાવવા માટે સરકાર આ પગલું ભરી રહી છે.

નવા વિધેયકની મુખ્ય જોગવાઈઓ

•અશાંત વિસ્તારોમાં આવેલી જગ્યાઓમાંથી ભાડુઆતોને બળજબરીથી ખાલી કરાવવામાંથી રક્ષણ પૂરું પાડતી જોગવાઈઓને વધુ મજબૂત કરવામાં આવશે.

•કોમી તંગદિલીને કારણે કોઈ ચોક્કસ સમુદાયના લોકોએ ડર કે દબાણ હેઠળ પોતાનું ઘર છોડીને અન્યત્ર સ્થળાંતર ન કરવું પડે, તે માટે 'નિર્દિષ્ટ વિસ્તાર' જાહેર કરવાની સત્તા અને જોગવાઈઓ ઉમેરાઈ છે.

•હવેથી અશાંત વિસ્તારમાં મિલકતની તબદીલીની મંજૂરી આપતાં પહેલા કલેક્ટરે માત્ર દસ્તાવેજો જ નહીં, પરંતુ તે વિસ્તારની કોમી સ્થિતિ અને જાહેર વ્યવસ્થાના ભંગની શક્યતાઓની પણ ઊંડી તપાસ કરવી પડશે.

આ પણ વાંચો: અમદાવાદ શહેરમાં LPG કનેક્શન સરન્ડર કરવાના ફરમાનનો ફિયાસ્કો, કાળાબજારીનો ફક્ત 1 કેસ

તપાસ પ્રક્રિયામાં ફેરફાર

નવા ડ્રાફ્ટ મુજબ, મિલકત વેચાણની અરજી પર નિર્ણય લેતી વખતે કલેક્ટરે એ બાબતની વિચારણા કરવાની રહેશે કે, શું આ વેચાણથી જે તે વિસ્તારમાં રહેતા વિવિધ સમુદાયો વચ્ચે કોમી તંગદિલી વધી શકે છે? શું આ તબદીલીથી જાહેર વ્યવસ્થા (Public Order) જોખમમાં મૂકાવાની કોઈ સંભાવના છે? શું વેચનાર વ્યક્તિ કોઈ પણ પ્રકારના અયોગ્ય દબાણ હેઠળ આ નિર્ણય લઈ રહી છે? આ સુધારા દ્વારા સરકારનો હેતુ અસામાજિક તત્ત્વો દ્વારા મિલકતો હડપવાની પ્રવૃત્તિને ડામવાનો અને અશાંત વિસ્તારોમાં વસ્તીકીય માળખું જળવાઈ રહે તે જોવાનો છે.