Ahmedabad LPG News: એલપીજી અને પીએનજી બંને કનેક્શન ધરાવતા લોકોને રાંધણ ગેસના બાટલા જમા કરાવવા સરકારે આપેલી 48 કલાકની મુદત પૂરી થઈ ગઈ છે. પરંતુ બે દિવસમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલા લોકોએ એલપીજી કનેક્શન પાછા આપ્યા છે? તેની કોઈ માહિતી જિલ્લા પુરવઠા વિભાગ પાસે જ નથી. ખાનગી રાહે મળતી વિગતો અનુસાર, કોઈએ આવા કનેક્શન સરેન્ડર કર્યા જ નથી. જેથી સરકારના આ ફરમાનનો ફિયાસ્કો થઈ ગયો છે.
કમર્શિયલ સિલિન્ડરની કાળાબજારીનો એક જ કેસ
અમદાવાદના કેટલાય વિસ્તારોમાં રાંધણ ગેસની પાઇપલાઇન આવી ગઈ હોવાથી મોટી સંખ્યામાં ઘરોમાંથી એલપીજી અને પીએનજી બંને કનેક્શન મળી આવે તેવી શક્યતા છે. ત્યારે ડબલ કનેક્શનની સંખ્યા શોધવા પુરવઠા વિભાગ અને એજન્સીઓ રીતસરના ધંધે લાગ્યા છે. પરિવારના અલગ અલગ સભ્યોના નામે એલપીજી અને પીએનજીના જોડાણ લેવાયા હોય ડબલ કનેક્શનની સંખ્યા ખુદ તંત્રને જ ખબર પડી શકતી નથી. ઉપરાંત જિલ્લામાં એલપીજી અને પીએનજીના કુલ કેટલા કનેક્શન છે, બંનેનું પ્રમાણ કેટલું છે? જેવી સામાન્ય વિગતોના સંકલિત આંકડા પણ જિલ્લા પુરવઠા વિભાગ પાસે ન હોવાનું જાણવા મળ્યું હતું. સરકારના આ નિર્ણયથી ગેસની અછતની અફવાને વેગ મળતા ઉલટાનું કમર્શિયલ સિલિન્ડરની કાળાબજારી અને ઘરેલું બાટલાનો ગેરકાયદેસર વપરાશ વધી રહ્યો છે.
રાજકોટ, ગોંડલ, જેતપુર જેવા અમદાવાદ કરતા નાના મથકોમાં પુરવઠા તંત્રે દરોડા પાડી હોટેલ, રેસ્ટોરાં, ભોજનાલયોમાંથી એક જ દિવસમાં 100થી વધુ ઘરેલુ વપરાશના બાટલા જપ્ત કર્યા હતા. પરંતુ અમદાવાદ જિલ્લાના પુરવઠા વિભાગની તપાસ કાચી પડી હોય તેમ આખા જિલ્લામાંથી એક પણ ગેરકાયદે વપરાશનો કેસ મળ્યો નથી. જ્યારે એક જ જગ્યાએ કાળાબજારી થતી પકડી શકાઈ છે. કમર્શિયલ સિલિન્ડરની અછતના પગલે શાળા, કૉલેજ, હૉસ્પિટલ, નારીગૃહ સહિતની 18 સંસ્થાઓને પીએનજી કનેક્શન અપાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.


