Get The App

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ સેવાઓ સ્થગિત

Updated: Mar 18th, 2026

GS TEAM

Google News
Google News
ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ સેવાઓ સ્થગિત 1 - image

Godhra News : પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) સિલિન્ડરની અચાનક ઊભી થયેલી અછતના કારણે ગોધરાના પ્રખ્યાત મહાપ્રભુજી બેઠક મંદિર દ્વારા એક મહત્ત્વનો અને કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે. મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, ગેસની અછતના કારણે મંદિરમાં ચાલતી ભોજન અને પ્રસાદ સેવાઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.

પ્રસાદ સેવા અને મનોરથ પર સીધી અસર

મહાપ્રભુજી બેઠક મંદિર એ વલ્લભ સંપ્રદાયનું એક અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જ્યાં રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં ભક્તો મનોરથ અને સામગ્રી સેવાનો લાભ લેતા હોય છે. મંદિર દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, LPG સિલિન્ડર ન મળવાને કારણે ભક્તોને આપવામાં આવતું ભોજન તાત્કાલિક બંધ કરી દેવાયું છે. ભક્તો દ્વારા બુક કરાવવામાં આવેલી સામગ્રી અને મનોરથ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી છે. મંદિર દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં ભક્તોને આ અનિવાર્ય સંજોગોને સમજવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : ઈન્દોરમાં અગ્નિકાંડ : ચાર્જિંગ વખતે EV કારની આગ ઘર સુધી ફેલાઈ, અનેક સિલિન્ડર બ્લાસ્ટ થતાં 7ના મોત

આગામી ધાર્મિક કાર્યક્રમો પર પણ ભય

LPG અછતની આ સમસ્યા માત્ર રોજિંદા ભોજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે મંદિરમાં આયોજિત થનારા આગામી ધાર્મિક કાર્યક્રમો પર પણ મોટી અસર કરી શકે છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન આવ્યું, તો ભવિષ્યના કાર્યક્રમોમાં પણ પ્રસાદ સેવામાં ખલેલ પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમાચારથી સ્થાનિક ભક્તોમાં ચિંતા વ્યાપી ગઈ છે.

પહેલાં પણ બની ચૂકી છે આવી ઘટનાઓ

અંબાજી મંદિર: બનાસકાંઠાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં પણ અગાઉ ગેસ પૂરો પાડતી કંપની દ્વારા સપ્લાયમાં વિલંબ થવાને કારણે ભક્તો માટે ચાલતા ભોજનશાળામાં મુશ્કેલી ઊભી થઈ હોવાના અહેવાલો હતા. જોકે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા અન્ય વિકલ્પો ઊભા કરીને સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.