Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી મહિલાઓની ગેંગનો પર્દાફાશ થયો છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચાર મહિલાઓની ધરપકડ કરી તેમની પાસેથી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, 12મી ફેબ્રુઆરીના રોજ ગોધરાના ભરચક ગણાતા બગીચા રોડ પર આવેલી એક કપડાંની દુકાનમાં આ ચોરીની ઘટના બની હતી. ચાર અજાણી મહિલાઓ એકસાથે ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી હતી. દુકાનદારને વાતોમાં પરોવી અને કપડાં જોવાની આડમાં આ મહિલાઓએ નજર ચૂકવીને એકસાથે 22 નંગ ડ્રેસની ચોરી કરી લીધી હતી. મહિલાઓ ગયા બાદ માલ ઓછો જણાતા દુકાન માલિકે તપાસ કરી હતી અને અંતે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદ મળતા જ પોલીસે તપાસ તેજ કરી હતી. દુકાન અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસતા ચારેય મહિલાઓની શંકાસ્પદ હિલચાલ કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજમાં મહિલાઓ અત્યંત ચાલાકીપૂર્વક ડ્રેસ ચોરી કરતી હોવાનું સ્પષ્ટ જણાતા પોલીસે બાતમીદારો અને સર્વેલન્સની મદદથી આ ટોળકીને દબોચી લીધી હતી.
પોલીસની કાર્યવાહી
પોલીસે ઝડપાયેલી ચારેય મહિલાઓ પાસેથી ચોરી કરેલા તમામ 22 ડ્રેસ જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત આશરે 16,500 રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ હાલ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગે અગાઉ અન્ય કોઈ બજારો કે શહેરોમાં આ પ્રકારે વેપારીઓને નિશાન બનાવ્યા છે કે કેમ?


