Get The App

ચાર ધામ યાત્રાએ જતાં હો તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા

Updated: Apr 30th, 2026

GS TEAM

Google News
Google News
ચાર ધામ યાત્રાએ જતાં હો તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા 1 - image

Chardham Yatra 2026: ગુજરાત સહિત ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રિકો આસ્થા સાથે હિમાલય વિસ્તારમાં આવેલી ચારધામની યાત્રા ભક્તિભાવ સાથે પૂર્ણ કરે છે. ચારધામ યાત્રાના તમામ તીર્થસ્થળો સમુદ્ર સપાટીથી અંદાજે 2700 મીટરથી વધુ ઊંચાઈ પર આવેલા છે. આ અત્યંત ઊંચા હિમાલયી વિસ્તારોમાં પ્રવાસીઓને અતિશય ઠંડી, ઓછું વાયુ દબાણ, ઓક્સિજનની અછત અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો જેવી પડકારરૂપ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આવા સમયે તમામ યાત્રિકોની સુરક્ષા અને સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા ચારધામ યાત્રા -2026 માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

1. યાત્રા પૂર્વેની તૈયારી (3P - પ્લાનિંગ, પ્રિપેર્ડનેસ અને પેકિંગ)

પ્લાનિંગ - આયોજન: યાત્રાળુઓએ શરીરને ઊંચાઈ અને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ઓછામાં ઓછા 7 દિવસની યાત્રાનું આયોજન કરવું જોઈએ. મુસાફરી દરમિયાન દર 1 કલાકના ટ્રેક કે 2 કલાકના વાહન પ્રવાસ બાદ 5-10 મિનિટનો વિરામ લેવો જોઈએ.

પ્રિપેર્ડનેસ- તૈયારી: યાત્રાળુઓએ દરરોજ 5-10 મિનિટ શ્વસન સંબંધિત વ્યાયામ અને 20-30 મિનિટ ચાલવાની ટેવ પાડવી જોઈએ. 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ અથવા હૃદયરોગ, દમ, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસનો ઇતિહાસ ધરાવતા યાત્રિકોએ મુસાફરી પહેલાં ફરજિયાત આરોગ્ય તપાસ કરાવી લેવી જોઈએ.

પેકિંગ: યાત્રાળુઓએ પૂરતા ગરમ કપડાં જેમ કે - સ્વેટર, થર્મલ, પફર જેકેટ, હાથમોજા, મોજાં, રેનકોટ અને છત્રી સાથે રાખો. પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવા પ્રાથમિક સાધનો, નિયમિત દવાઓ સાથે રાખવી. જો ડૉક્ટર મુસાફરી કરવાની ના પાડે, તો યાત્રા ટાળવી.

ચાર ધામ યાત્રાએ જતાં હો તો આ જરૂર વાંચી લો, આરોગ્ય વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા 2 - image

2. યાત્રા દરમિયાન સાવચેતી

આરોગ્ય કેન્દ્રોની જાણકારી: યાત્રા માર્ગ પર આરોગ્ય વિભાગ દ્વારા સ્થાપિત મેડિકલ કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હૉસ્પિટલોના નકશાનો સંદર્ભ લેવો.

તાત્કાલિક લક્ષણો: જો કોઈ પણ યાત્રાળુને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉધરસ, ચક્કર આવવા, ચાલવામાં મુશ્કેલી, ઉલટી થવી, ત્વચા ઠંડી પડી જવી અથવા શરીરના કોઈ ભાગમાં સુનપણું લાગે તો વિલંબ કર્યા વિના નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.

સાવચેતી: યાત્રા દરમિયાન દારૂ, કેફિનયુક્ત પીણાં, ઊંઘની ગોળીઓ અને પેઇનકિલર્સ દવાઓથી દૂર રહેવું, ધૂમ્રપાન ન કરવું. આ ઉપરાંત પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી જેમ કે ઓછામાં ઓછું 2 લીટર પાણી લેવું અને પૌષ્ટિક આહાર લેવો.

આ પણ વાંચો: ચારધામ યાત્રા 2026 : ગંગોત્રી-યમુનોત્રીના કપાટ ખોલવામાં આવ્યા, જાણો કેદારનાથ-બદ્રીનાથના દર્શનનો સમય

3. ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો

યાત્રા દરમિયાન 55 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ, ગર્ભવતીઓ , હૃદયરોગ, બ્લડ પ્રેશર, દમ, ડાયાબિટીસ અને સ્થૂળતા (ઓબેસિટી) ધરાવતા યાત્રિકોએ વિશેષ કાળજી રાખવી. કોઈપણ આરોગ્ય સંબંધિત કટોકટીના સમયે તરત જ 104 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવો તેમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.