India

ગુપ્તાંગ વેચી રાતોરાત કરોડપતિ બનવાની લાલચના ચક્કરમાં મિત્રની કરપીણ હત્યા! વીડિયો કોલ પર કરી 'સર્જરી'

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
ભોપાળમાં સોશિયલ મીડિયાની અફવા અને અંધશ્રદ્ધાના કારણે 16 વર્ષના કિશોરની હત્યા થઈ છે. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી ફેક રીલથી પ્રભાવિત થઈને 20 વર્ષીય ઝોહેબ ખાને ડોક્ટરનો ઢોંગ કરી, 4 સાથીદારો સાથે મળી કિશોરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો. આરોપીઓએ અંગો કાઢી 2 દિવસ બરફમાં રાખ્યા બાદ તળાવમાં ફેંકી દીધા હતા. પોલીસે ઝોહેબ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુપ્તાંગ વેચી રાતોરાત કરોડપતિ બનવાની લાલચના ચક્કરમાં મિત્રની કરપીણ હત્યા! વીડિયો કોલ પર કરી 'સર્જરી'

Bhopal Teenager Murder Case : મધ્યપ્રદેશના ભોપાળમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલી એક ફેક અફવા અને અંધશ્રદ્ધાના કારણે 16 વર્ષીય નિર્દોષ કિશોરની હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલી એક બનાવટી રીલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગલ્ફ દેશોમાં માનવ ગુપ્તંગ (ટેસ્ટિકલ્સ) વેચવાથી 1 થી Rs 1.5 કરોડ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. આ ખોટા દાવાથી પ્રભાવિત થઈને 20 વર્ષીય BBA ના વિદ્યાર્થી ઝોહેબ ખાને પોતે ડોક્ટર હોવાનો ઢોંગ રચ્યો હતો અને પોતાના 4 સાથીદારોને કરોડો રૂપિયાની લાલચ આપી કિશોરની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

વીડિયો કોલ પર માર્ગદર્શન આપી કિશોરની હત્યા કરાવાઈ

મૃતક કિશોર ભોપાળના ઇકબાલ મેદાન અને મોતી મસ્જિદ નજીક પેન અને કી-ચેન વેચવાનું કામ કરતો હતો. 6 ઓગસ્ટે આરોપીઓએ ઝઘડામાં મદદ કરવાના બહાને કિશોરને લલચાવીને ખાતલાપુરા નજીક ધોબી ઘાટ તરફ લઈ ગયા હતા. માસ્ટરમાઇન્ડ ઝોહેબ ખાન ઓનલાઇન ખરીદેલા એપ્રોન અને સ્ટેથોસ્કોપ પહેરી નકલી ડોક્ટર બનીને વીડિયો કોલ દ્વારા અન્ય સાથીઓને નિર્દેશો આપી રહ્યો હતો. આરોપીઓએ કિશોરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને ધારદાર બ્લેડ વડે તેના અંગો અલગ કરી દીધા હતા. 10 ઓગસ્ટે લોઅર લેકમાંથી કિશોરનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળ્યો હતો, જેની ઓળખ તેના હાથ પરના ટેટૂ પરથી 15 ઓગસ્ટે થઈ હતી.

2 દિવસ બરફમાં અંગો રાખ્યા, લેકમાં ફેંકી દીધા બાદ પોલ ખુલી

હત્યા બાદ આરોપીઓએ તે અંગોને 2 દિવસ સુધી ધાબા પર બરફમાં પેક કરીને રાખ્યા હતા અને ગ્રાહક શોધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રાહક ન મળતાં અને ઓર્ગન સાચવવાની કોઈ તબીબી જાણકારી ન હોવાથી ઝોહેબના કહેવાથી તેઓએ આ અંગોને અપર લેક અને લોઅર લેકમાં ફેંકી દીધા હતા. પોલીસે તપાસ દરમિયાન બનાવટી ડોક્ટર ઝોહેબ અને તેના સાથીઓની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કોઈ સંગઠિત ઓર્ગન ટ્રાફિકિંગ કૌભાંડ નથી પરંતુ વાઇરલ સોશિયલ મીડિયા અફવાના કારણે ઘટેલી ઘટના છે. પોલીસે તળાવમાંથી પુરાવા એકત્ર કરવા ડાઇવર્સની મદદ લીધી છે.