Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ખજૂરિયા પ્રાથમિક શાળામાં એક ચોંકાવનારી અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. જે શિક્ષકના શિરે બાળકોનું ભવિષ્ય ઘડવાની જવાબદારી છે, તે જ શિક્ષક નશામાં ચૂર થઈને શાળાએ પહોંચતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, ખજૂરિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા રાજકુમાર નામનો શિક્ષક શનિવારે (14મી ફેબ્રુઆરી) શાળાના સમયે નશાની હાલતમાં ફરજ પર હાજર થયો હતો. શિક્ષકની વિચિત્ર હરકતો અને ભાન ભૂલેલી હાલત જોઈને શાળાએ આવેલા ગ્રામજનોને શંકા ગઈ હતી. જ્યારે ગ્રામજનોએ પૂછપરછ કરી, ત્યારે શિક્ષક દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું.
શિક્ષકની આ હાલત જોઈને રોષે ભરાયેલા ગ્રામજનોએ તાત્કાલિક આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતા જ શિક્ષણ વિભાગ અને પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી તુરંત પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસ કાફલો શાળાએ દોડી આવ્યો હતો.
શિક્ષક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
પોલીસે નશાની હાલતમાં મળી આવેલા શિક્ષક રાજકુમારની અટકાયત કરી છે. પીધેલા શિક્ષકને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે જો ગુરુ જ ગેરમાર્ગે દોરશે, તો બાળકોને કેવા સંસ્કાર મળશે? લોકોએ આ શિક્ષકને કાયમી ધોરણે સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.


