Get The App

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી 1 - image

Unseasonal Rain In Gujarat: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે (23મી ફેબ્રુઆરી) અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ બાદ સિંધુ ભવન રોડ, ગોતા, ચાંદલોડિયા અને એસ.જી. હાઇવે જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. શિયાળના અંતે અને ઉનાળાની શરુઆતમાં માવઠું થતાં વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. મહત્ત્વનું છે કે, આજે અમદાવાદના દરેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે રાજ્યમાં વાવાઝોડા જેવી સ્થિતિ સાથે માવઠાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠા થઈ શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભરુચ, તાપી, સુરત, નર્મદા અને છોટાઉદેપુરમાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં માવઠું, આગામી 24 કલાક વાવાઝોડા જેવી સ્થિતિની આગાહી 2 - image

આગામી 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્ત્વે સૂકું રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે, આમ લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, આજે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં કમોસમી વરસાદનો ભારે માર જોવા મળ્યો હતો. શિનોર, માલસર અને દામાપુરા ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસર સહિતના તાલુકાઓમાં તેજ ઠંડા પવનો સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત, કન્ટેનરની અડફેટે મોપેટ ચાલક મહિલાનું કરૂણ મોત

ખેડૂતોની માઠી દશા!

માવઠાંની આગાહીને પગલે ખેડૂતોના પાકને નુકસાની પહોંચવાની ભીતિ છે. જેમાં કમોસમી વરસાદને કારણે ઊભા પાક અને લણણી કરેલા પાકને નુકસાનની શક્યતા છે, ત્યારે પાકની કાપણી કરી લીધી હોય અને પાક ખેતરમાં ઢાંક્યા વિના પડ્યો હોય તેવા ખેડૂતોએ ત્વરિત ધોરણે પોતાના ખેત ઉત્પાદિત પાકને સલામત સ્થળે ખસેડવા. જો પાક ખસેડવો શક્ય ન હોય, તો તેને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો. વધુમાં વાદળછાયા અને વરસાદી વાતાવરણ દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તેમજ ખાતરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.