Get The App

'નો કેટલ ઝોન' : 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડાયા, AMC-પોલીસની સંયુક્ત કામગીરી

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
No Cattle Zone


પ્રતિકાત્મક તસવીર

Ahmedabad No Cattle Zone : અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) દ્વારા ચલાવવામાં આવતી ઝુંબેશ દરમિયાન વધુ એક વખત ઘર્ષણની ઘટના સામે આવી છે. બોડકદેવ વિસ્તારમાં સાયન્સ સિટી રોડ પાસે ગેરકાયદેસર વાડામાં રખાયેલી ગાયોને જપ્ત કરવા ગયેલી CNCDની ટીમ સાથે પશુપાલકોએ ઝઘડો કરી ગાયોને ભગાડી દીધી હતી. પોલીસે આ મામલે સરકારી ફરજમાં રુકાવટ બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શહેરમાં 'નો કેટલ ઝોન' હેઠળ 90થી વધુ રખડતા પશુઓને અમદાવાદ શહેરની બહાર ખસેડવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?

2 ફેબ્રુઆરીની સાંજે આશરે 5:30 વાગ્યે AMCની કેટલ ન્યુસન્સ કંન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ(CNCD)ની ટીમ બોડકદેવ ઝોનમાં પેટ્રોલિંગમાં હતી. વિભાગના અધિકારી ચિંતનભાઈ બારડ અને રમેશભાઈ ચૌધરી સહિતની ટીમ દ્વારા હેબતપુર ગામ પાસે ન્યૂ સાયન્સ પાર્ક રોડ પર તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રોડ પાસેના એક ફેન્સિંગ કરેલા વાડામાં સાત જેટલી ગાયો હોવાનું જણાતા ટીમે તેને ડબ્બે પૂરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

લાઇસન્સ ન હોવા છતાં કામગીરી રોકી

કાર્યવાહી દરમિયાન જિગરભાઈ ભરવાડ નામના શખસે ત્યાં આવીને પોતે માલિક હોવાનું કહી હોબાળો મચાવ્યો હતો. અધિકારીઓએ જ્યારે પશુ રાખવા માટેનું માન્ય લાઇસન્સ માંગ્યું ત્યારે તે રજૂ કરી શક્યો નહોતો. તેમ છતાં જિગરે વાડાના દરવાજે ઊભા રહીને મ્યુનિસિપલ સ્ટાફને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા અને ઉગ્ર દલીલો કરી હતી.

પાછળના દરવાજેથી ગાયો ભગાડી મૂકી

ફરિયાદ મુજબ, જ્યારે અધિકારીઓ અને જિગર વચ્ચે બોલાચાલી ચાલી રહી હતી, ત્યારે તેની સાથેના અન્ય બે શખસો વાડાની વાડ કૂદીને અંદર ઘૂસી ગયા હતા. આ શખસોએ વાડાના પાછળના ભાગે આવેલા નાના દરવાજામાંથી ગાયોને ભગાડી દીધી હતી. તેવામાં પોલીસ બોલાવવામાં આવી ત્યાં સુધીમાં તો માત્ર બે જ ગાયો વાડામાં બચી હતી, જેને કોર્પોરેશનની ટીમે જપ્ત કરી હતી.

આ પણ વાંચો: '15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો...', લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો

ત્રણ સામે પોલીસ ફરિયાદ

બોડકદેવ પોલીસે આ મામલે જિગર ભરવાડ અને અન્ય બે અજાણ્યા શખસો વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં અવરોધ ઊભો કરવા બદલ ગુનો નોંધ્યો છે. પોલીસે ભાગી ગયેલા અન્ય બે આરોપીઓની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.