Get The App

'15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો...', લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
'15 લાખ રૂપિયા લાવો નહીંતર ઘર છોડો...', લગ્નના બીજા જ દિવસે પરિણીતા પર અત્યાચાર, અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો 1 - image


Ahmedabad News: અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી એક 35 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. પતિ સુભાષ બ્રિજ નજીક કેશવનગર વિસ્તારમાં એક હાઉસિંગ સોસાયટીમાં રહે છે.

15 લાખની રોકડ રકમ અને કાર ખરીદવા 2 લાખ માગ્યા

ખાનગી સેક્ટરમાં નોકરી કરતી પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ 2017માં લગ્ન કર્યાના બીજા જ દિવસથી સાસરિયાઓએ અસલી રંગ બતાવ્યો હતો, મહેણાં-ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. આ વિવાદ સમય જતાં વધુ વકર્યો હતો અને સાસરિયાઓ દ્વારા પરિણીતા પાસે 15 લાખની રોકડ રકમ તેમજ કાર ખરીદવા માટે વધારાના 2 લાખની માગણી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં, ઘરના હપ્તા અને પ્રવાસના બહાને અવારનવાર તેમના પિતા પાસેથી નાણાં પડાવવામાં આવતા હતા.

નાના પુત્ર સાથે અલગ રહેવા મજબૂર

ફરિયાદી પરિણીતાના લગ્ન 3 ડિસેમ્બર 2017ના રોજ હર્ષ પરમાર સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. પરિણીતાનો આક્ષેપ છે કે તેમને અવારનવાર માર મારીને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપવામાં આવતી હતી. આ દરમિયાન તેમના પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાનું બહાર આવતા માનસિક ત્રાસમાં વધારો થયો હતો. પતિના ક્રેડિટ કાર્ડના દેવા અને લોન ભરવા માટે પણ ભૂમિકાબેન પર દબાણ કરવામાં આવતું હતું. ત્રાસ એટલો વધી ગયો હતો કે ઓક્ટોબર 2024થી ભૂમિકાબેન પોતાના નાના પુત્ર સાથે અલગ રહેવા મજબૂર બન્યા છે. જ્યાં પતિ કે તેના પરિવાર દ્વારા કોઈ સહાય કરવામાં આવતી નથી. પિતાની નાણાકીય સહાયથી ખરીદેલા અલગ ફ્લેટમાં રહેવા ગયા પછી પણ સાસરિયાએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું છે.

અન્ય સ્ત્રી સાથે સંબંધ અને માનસિક આઘાત

પરિણીતાએ પતિ પર વધુ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, પતિને અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો છે. જ્યારે પણ પરિણીતાએ આ બાબતે વિરોધ કર્યો, ત્યારે તેને માર મારીને ચૂપ કરી દેવામાં આવતી હતી. પતિ દ્વારા લોન અને ક્રેડિટ કાર્ડના હપ્તા ભરવા માટે પણ પરિણીતા અને તેમના પિતા પર દબાણ કરવામાં આવતું હતું.

આ પણ વાંચો: લોન અપાવવાના બહાને US નાગરિકો સાથે છેતરપિંડી, અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ

સાસરિયાઓ જ્યારે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ફરી નાણાંની માગણી સાથે હેરાનગતિ વધતા અંતે પરિણીતાએ પોલીસનો આશરો લીધો છે. રાણીપ પોલીસે આ મામલે પતિ, સાસુ, સસરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને દહેજ પ્રતિષેધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.