Get The App

અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ 1 - image


Ahmedabad News: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સરસપુરના પોટલિયા ચાર રસ્તા પાસે આવેલા સ્વિમિંગ પૂલમાં મોડી રાત્રે અસામાજિક તત્ત્વોના આતંકનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. વાઈરલ થયેલા એક વીડિયોમાં રાત્રિના સમયે કોર્પોરેશનનું સ્વિમિંગ પૂલ બંધ હોવા છતાં 10થી 15 જેટલા શખસો અંદર ઘૂસી ગયા હતા. આ યુવકોએ પૂલમાં જબરદસ્તીથી નાહવાની સાથે મોટા અવાજે ગુજરાતી ગીતો વગાડીને ધમાલ મચાવી હતી.

મળતી માહિતી અનુસાર, આ માથાભારે તત્ત્વો કોર્પોરેશનના સ્વિમિંગ પૂલના પાછળની દીવાલ કૂદીને અથવા મુખ્ય ગેટ પર સિક્યુરિટી ગાર્ડને ધાક-ધમકી આપીને પૂલમાં એન્ટ્રી મેળવી હતી. હથિયારધારી શખસો સામે ગાર્ડ પણ લાચારી અનુભવે છે. આશ્ચર્યની વાત એ છે કે, અગાઉ પણ આ જ સ્થળે ત્રણથી ચાર વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. સ્વિમિંગ વિભાગના અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી. વારંવાર સુરક્ષા ભંગ થવા છતાં આટલા મોટા સંકુલમાં હજુ સુધી એક પણ સીસીટીવી કેમેરો લગાવવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો

આ મામલાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો જરૂર હતો, પરંતુ કોઈ કડક કાનૂની કાર્યવાહી કરવાના બદલે માત્ર સામાન્ય નોંધ કરીને મામલો સમેટી લીધો હતો. બીજી તરફ, AMC સત્તાધીશો દ્વારા પણ સરકારી સંપત્તિમાં થયેલી આ ઘટના અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવાની તસ્દી લેવાઈ નથી.