Get The App

અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો 1 - image


Polluted Water In Ahmedabad: અમદાવાદના અસારવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. છેલ્લા 6 મહિનાથી ગંદા પાણીની હાલાકી ભોગવી રહેલા લોકોની ધીરજનો આજે અંત આવ્યો હતો. ઉગ્ર રોષે ભરાયેલા સ્થાનિકોએ તપાસ કરવા આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. આ મામલો એટલો બિચક્યો હતો કે કર્મચારીઓને છોડાવવા માટે છેવટે પોલીસ કાફલાની મદદ લેવી પડી હતી.

6 મહિનાથી ગંદા પાણીની સમસ્યા

મળતી માહિતી અનુસાર, અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં છેલ્લા 6 મહિનાથી ભારે પ્રદૂષિત અને દુર્ગંધ મારતું ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે રહીશો દ્વારા તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર ઉકેલ લાવવામાં આવ્યો ન હતો. લાંબા સમયની ઉપેક્ષા બાદ આજે સ્થાનિક લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.

તપાસ કરવા આવેલા કર્મચારીઓને જ બેસાડી દીધા 

આજે (આઠમી જૂન) વિસ્તારમાં પાણીની લાઇન અને પ્રદૂષિત પાણીની તપાસ કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની એક ટીમ પહોંચી હતી. જોકે, લાંબા સમયથી પરેશાન રહીશોએ આ કર્મચારીઓનો ઘેરાવ કરી લીધો હતો અને તેમને ત્યાં જ બેસાડી દઈને ઉગ્ર ઉધડો લીધો હતો. સરકારી કર્મચારીઓ બંધક બન્યા હોવાના સમાચાર મળતાં જ કોર્પોરેશનની ઑફિસમાં દોડધામ મચી ગઈ હતી. છેવટે AMCના ઉચ્ચ અધિકારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને પોતાના કર્મચારીઓને  છોડાવવા માટે પોલીસની મદદ લેવી પડી હતી અને ઘટનાસ્થળે પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.

ધારાસભ્ય અને કોર્પોરેટરો સામે આક્રોશ 

સ્થાનિક લોકોના જણાવ્યાનુસાર, આ ગંભીર સમસ્યા અંગે વિસ્તારના ધારાસભ્ય (MLA) અને સ્થાનિક કોર્પોરેટરોને પણ રૂબરૂ મળીને વારંવાર રજૂઆતો કરી હતી, છતાં નેતાઓના પેટનું પાણી હલ્યું ન હતું. રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રની આ નિષ્ક્રિયતાથી નારાજ થયેલા લોકોએ આજે માત્ર કોર્પોરેશનના કર્મચારીઓ સામે જ બળાપો નહોતો કાઢ્યો, પરંતુ મોટી સંખ્યામાં એકઠા થઈને ધારાસભ્યની ઑફિસ બહાર પણ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે દેખાવો કર્યો હતો.