Get The App

અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા? ગંભીર આક્ષેપ સાથે કોંગ્રેસનો હોબાળો 1 - image
મતદાન પૂર્ણ  થયા બાદ  પ્રાઈવેટ કારમાં EVM લઈ જવાના દાવો કરતો વીડિયો 

Ahmedabad News: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન બાદ હવે ઈવીએમની સુરક્ષા અને હેરફેરને લઈના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની હડાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ EVMની હેરફેરના દાવા સાથે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રશાસન અને પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

શું છે સમગ્ર વિવાદ?

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વખતપર ગામમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર નિયમ વિરુદ્ધ જઈને સરકારી વાહનને બદલે પોતાની ખાનગી ગાડીમાં EVM લઈને નીકળ્યા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ સામે આવ્યા છે, જેમાં કારમાં EVM હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

સગાવાદ અને નિયમ ભંગના આક્ષેપો

કોંગ્રેસ દ્વારા આ મામલે બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. કોંગ્રેસનો દાવો છે કે જે પ્રિસાઇડિંગ ઓફિસર ખાનગી ગાડીમાં EVM લઈ જઈ રહ્યા હતા, તેઓ હડાળા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર સુરજીતસિંહના સગા ભાઈ થાય છે. નિયમ મુજબ, EVMની હેરફેર માત્ર નિયત કરેલી સરકારી બસ કે અધિકૃત સરકારી વાહનો દ્વારા જ થઈ શકે. ખાનગી વાહનનો ઉપયોગ એ સુરક્ષા અને પારદર્શિતાના નિયમોનો સરેઆમ ભંગ છે.

તંત્રએ સ્વીકાર્યું સત્તાવાર સૂચના નહોતી

આ બાબતે ઉમેદવાર વનરાજસિંહ ચાવડાએ તાત્કાલિક ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર, તાલુકા વિકાસ અધિકારી અને ઝોનલ ઓફિસરે સ્વીકાર્યું છે કે ખાનગી ગાડીમાં EVM લઈ જવાની કોઈ સત્તાવાર સૂચના આપવામાં આવી નહોતી.

અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની માગ છે કે, "તંત્ર દ્વારા માત્ર સત્તાધારી પક્ષ તરફી કામગીરી કરવામાં આવી રહી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ."  

આ પણ વાંચો: અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ, ચૂંટણીમાં નારાજ નેતાઓએ અંદરખાને ખેલ કર્યો હોવાની ચર્ચા, એક્શનમાં ઢીલાશ

હજુ પણ ખુલાસાની રાહ

આ ઘટનાને લઈને જિલ્લા કલેક્ટર કે મુખ્ય ચૂંટણી અધિકારી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે ખુલાસો કરવામાં આવ્યો નથી. રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ભારે ચર્ચામાં છે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી પંચ આ મામલે તપાસના આદેશ આપે છે કે કેમ. સત્તાવાર ખુલાસો આવ્યા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ અને હકીકત સ્પષ્ટ થશે.